
ઈંદોર,
મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહે કહ્યું કે, સફળતા હાથની રેખાઓથી નહીં પરંતુ સખત મહેનતથી મળે છે. રવિવારે ઈન્દોરમાં પ્રવાસી ભારતીય સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે યુવાનોને સંબોધતા સીએમ શિવરાજ સિંહે કહ્યું કે, જો વ્યક્તિ સંકલ્પબદ્ધ હોય અને ઈચ્છે તો દુનિયા બદલી શકે છે.
પીએમ નરેન્દ્ર મોદીનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે, જ્યારે તેમણે સ્વચ્છતાનું કામ હાથમાં લીધું તો દરેક લોકો તેમાં સામેલ થઈ ગયા. ઈન્દોરે તો સ્વચ્છતામાં સિક્સર ફટકારી દીધો છે. તેમણે કહ્યું કે, આજે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ દુનિયાને રસ્તો બતાવી રહ્યો છે. વડા પ્રધાને ’મેક ઇન ઇન્ડિયા’ કહ્યું તો બધી વસ્તુઓ ભારતમાં બનવા લાગી. ડિજિટલ ઈન્ડિયા દ્વારા વિશ્ર્વનું ૪૦% ડિજિટલ પેમેન્ટ ભારતમાં થઈ રહ્યું છે અને સ્કિલ ઈન્ડિયા દ્વારા યુવાનોને કૌશલ્ય શીખવવામાં આવી રહ્યું છે.
સ્વચ્છતા અને ડિજિટલાઇઝેશનના ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, આજે દેશ આ ક્ષેત્રોમાં ઝડપથી આગળ વધી રહ્યો છે. ઈનોવેશનની વ્યાખ્યા આપતાં સીએમ સિંહે કહ્યું કે, ઈનોવેશન એટલે મનમાં આવતા વિચારને અમલમાં મૂકવાનો. વિશ્ર્વભરમાં વિવિધ ક્ષેત્રોમાં ભારતીય યુવાનોની સફળતાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે આજે ભારતના યુવાનો માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્ર્વમાં પોતાનું કૌશલ્ય બતાવી રહ્યા છે. આ નવા ભારતનું ચિત્ર છે.
પ્રવાસી ભારતીય સમ્મેલનમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, મહાત્મા ગાંધી ૧૦૮ વર્ષ પહેલા દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા. સમગ્ર વિશ્ર્વમાં દર ૬ માંથી એક વ્યક્તિ ભારતીય છે. ભારતીય મૂળના લોકોએ વિદેશમાં વ્યવહારિક્તા દર્શાવી છે. ભારતીય પ્રવાસી યુવાનોમાં વિશેષ અને અદ્વિતીય ગુણો છે. તેમણે યુવાનોને કહ્યું કે, ભારતીયતાનો સબંધ આપણને એકજૂથ કરે છે. આ લોહીનો સંબંધ આપણને એક કરે છે. તેમણે કહ્યું કે, તમે જેટલી વધુ ભારત ફરશો તેટલું જ તમે ભારતને જાણશો. મહાકાલ લોક અને ઓમકારેશ્ર્વર મંદિરનો ઉલ્લેખ કરીને તેમણે ઈન્દોરના બુલિયન માર્કેટની મુલાકાત લેવા વિનંતી કરી હતી.