વિકાસ સપ્તાહ અંતર્ગત સફળ અને સક્ષમ નેતૃત્વના 23 વર્ષની જિલ્લા વહીવટી તંત્રની ઉજવણીના ભાગરૂપે શક્તિપીઠ પાવાગઢ ડુંગર ઉપર આવેલ ઐતિહાસિક સ્મારક સાત કમાનથી માચી સુધીની વિકાસ પદયાત્રા આદિજાતિ વિકાસ મંત્રીની ઉપસ્થિતિમાં યોજવામાં આવી, જેમાં અનેક રાજકીય આગેવાનો, તાલુકાના તમામ સરકારી વિભાગોના કર્મચારીઓ સહિત નગરજનો આ પદયાત્રામાં જોડાયા હતા.
રાજ્ય સરકાર દ્વારા 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર દરમ્યાન ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહમાં સફળ અને સક્ષમ નેતૃત્વના 23 વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શક્તિપીઠ પાવાગઢ ડુંગર ઉપર આવેલા ઐતિહાસિક સ્મારક સાત કમાન ખાતેથી માચી સુધીની પદયાત્રા યોજવામાં આવી હતી. આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડીંડોર, હાલોલ ધારાસભ્ય જયદ્રથસીંહ પરમાર, જિલ્લા પ્રમુખ રેણુકા ડાયરાએ લીલી ઝંડી આપી પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. પદયાત્રીઓ સાથે જિલ્લા કલેક્ટર આશિષ કુમાર, હાલોલ પ્રાંત અધિકારી પ્રણવ વિઠાણી, મામલતદાર પ્રતાપસિંહ ગોહિલ, તાલુકા વિકાસ અધિકારી મનહર રબારી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જાડેજા, ડીએફઓ બારીઆ સહિતના અધિકારીઓ પણ આ પદયાત્રીઓ સાથે યાત્રામાં જોડાયા હતા.
રાજ્ય સરકારની 23 વર્ષની ઉપલબ્ધી દર્શાવતી વિવિધ યોજનાઓના પોસ્ટર બેનર્સનું નિદર્શન કરતી સ્વેત ટીશર્ટ ધારણ કરી યાત્રામાં જોડાયેલા પદયાત્રીઓની યાત્રાનું માચી ખાતે સમાપન થયું હતું. જ્યાં રાજ્ય મંત્રીએ પદયાત્રીઓને સંબોધન કરતા મોદી શાશન કાળમાં ગુજરાતમાં થયેલા સફળ નેતૃત્વની વિકાસગાથા વર્ણવી હતી.