દાહોદ, દાહોદ જિલ્લાના ૧૩૬ ગુનામાં વોન્ટેડ મધ્યપ્રદેશનાં ગોવાળી પતરા ગામના પીદીયા રતના સંગાડિયાને ઝડપી લેવા પોલીસે છેલ્લાં એક માસથી કમર ક્સી હતી. રવિવારે પીદીયો ખરોદા ગામની આલની તળાઇના જંગલમાં આવવાનો હોવાની બાતમી મળી હતી. જેથી તે છટકી ના જાય તે માટે પોલીસે જાનૈયા બનીને જવાનો પ્લાન ગોઠવ્યો હતો.
તાત્કાલિક અસરથી ડી.જે મંગાવી જીપ, ક્રુઝર, બાઇક સહિતના ખાનગી વાહનો તૈયાર કરી તેની પર વર અને કન્યાના નામના ડમી સ્ટીકર પણ ચોંટાડ્યા હતાં. પીએસઆઇ ડી.ડી પઢિયાર, એમ.એલ ડામોર સાથે ૨૩ કર્મચારીને ઓપરેશનમાં જોતરી જાનૈયા બનાવ્યા હતાં.
એલસીબી પીઆઇ કે.ડી.ડીંડોર સહિત તમામે માથે સાફા પણ બાંયા હતાં. બોરડીથી ડીજે વગાડતાં નાચતા ગાતાં આલની તળાઇ જઇ જંગલમાંથી પીદીયાને ઝડપી લીધો હતો.નોંધનીય છે કે તપાસમાં તેની સામે વધુ નવ ગુના નીકળતાં કુલ ૧૪૪ ગુનામાં તે વોન્ટેડ હોવાનું સામે આવ્યુ હતું. તેના માથે ૧૦ હજારનું ઇનામ હતું.