
સાળંગપુરના પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાન મંદિરમાં ચૈત્ર સુદ પૂર્ણિમાએ હનુમાનજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. કષ્ટભંજન દાદાને સુવર્ણ વાઘાનો શણગાર કરવામાં આવ્યો છે, સાથે જ દાદાના જન્મદિવસની ઉજવણી પર 250 કિલો કેકનું કટિંગ કરવામાં આવ્યું હતું, જે પ્રસાદ સ્વરૂપે ભક્તોને આપવામાં આવશે. એટલું જ નહિ, 51,000 બલૂનથી ભક્તોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આજે 12 એપ્રિલ 2025ના રોજ ચૈત્ર સુદ પૂર્ણિમા, શનિવાર અને હનુમાનજયંતીના પાવન સંયોગ પર શ્રદ્ધાળુઓની હકડેઠઠ ભીડ જોવા મળી રહી છે.

આજે વહેલી સવારે પાંચ કલાકે મંગળા આરતી દરમિયાન ભવ્ય આતશબાજી સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી. સવારે સાત કલાકે કષ્ટભંજનદેવને સુવર્ણ વાઘાનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ 7:30 કલાકે 51,000 બલૂનથી ભક્તોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
દાદાના જન્મદિવસની ઉજવણી પર મંદિર પરિસરમાં સંતો અને હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં ખાસ 250 કિલો વજનની કેકનું કટિંગ કરવામાં આવ્યું હતું. ભક્તો ડીજેના તાલે હનુમાન ભક્તિમાં ઝૂમી ઊઠ્યા હતા. ‘જય શ્રીરામ’ના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઊઠ્યો.

સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાજી મંદિર ખાતે આજે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે, આજે બોપરે 11 કલાકે દાદાને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. જેના દર્શન કરી લાખો હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી. આજે વહેલી સવારથી જ દાદાના દરબારમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. જેને લઇ સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારી સ્વામીએ ભક્તોને મહાપ્રસાદનો લાભ લેવા માટે અપીલ કરી હતી.
