સદીઓની ગુલામીના કારણે નિરાશાથી પીડાતા દેશને બાપુએ આશા અને વિશ્વાસથી ભરી દીધો હતો,વડાપ્રધાન

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલવેના ૮૫ હજાર કરોડ રુપિયાના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યુ, ભારતીય રેલની કાયાકલ્પની ગેરંટી આપી

અમદાવાદ,વડાપ્રધાન નરેન્દ્ર માદીએ અમદાવાદના સાબરમતી આશ્રમ પુનનિર્માણ પ્રોજેકટનો શુભારંભ કરાવ્યા હતો. આ પહેલા તેમણે ૮૫ હજાર કરોડના વિવિધ પ્રોજેકેટનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યા હતાં. વડાપ્રધાને ૧૦ નવી વંદે ભારત એકસપ્રેસને લીલીઝંડી બતાવી હતી આ પ્રસંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ,રાજયપાલ આચાર્ય દેવવ્રત,મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિત અન્ય નેતાઓ હાજર રહ્યા હતાં.

સાબરમતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક સાબરમતી આશ્રમનું રૂપિયા ૧૨૦૦ કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ કરાશે આજે દાંડી કુચ દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદીએ મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુન નિર્માણ પ્રોજેકટનો પ્રારંભ કરાવ્યો છે.૧૭ જુન ૧૯૧૭ના રોજ સાબરમતી આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી એ વખતે ૧૩૨ એકરમાં ફેલાયેલા સાબરમતી આશ્રમની જમીનની કિંમત રૂપિયા ૨૬૯૭૨ જયારે મકાનોની કિંમતનો રૂ.૨,૯૫,૧૨નો ખર્ચ થયો હતો.

અમદાવાદના સાબરમતી આશ્રમ પુનનિર્માણ પ્રોજેકટનો શુભારંભ કરાવ્યા બાદ વડાપ્રધાને કહ્યું કે આજે જ્યારે ભારત આઝાદીના સુવર્ણકાળમાં નવા રેકોર્ડ સર્જી રહ્યું છે, આજે જ્યારે ભારત જમીનથી અંતરિક્ષ તરફ આગળ વધી રહ્યું છે અને નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે. આજે જ્યારે ભારત વિકાસના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે, ત્યારે મહાત્મા ગાંધીનું આ મંદિર આપણા બધા માટે એક મહાન પ્રેરણા છે.

તેમણે કહ્યું હતું કે, સદીઓની ગુલામીના કારણે નિરાશાથી પીડાતા દેશને બાપુએ આશા અને વિશ્વાસથી ભરી દીધો હતો. આજે પણ તેમનું વિઝન આપણા દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે સ્પષ્ટ દિશા દર્શાવે છે. બાપુએ ગ્રામ સ્વરાજ અને આત્મનિર્ભર ભારતનું સપનું જોયું હતું. ગાંધીજીના આદર્શોને અનુસરીને અમારી સરકાર ગ્રામીણ ગરીબોના કલ્યાણને પ્રાથમિક્તા આપી રહી છે અને આત્મનિર્ભર ભારત અભિયાન ચલાવી રહી છે. આજે ગામડાઓ મજબૂત બની રહ્યા છે, ગ્રામ સ્વરાજનું વિઝન સાકાર થઈ રહ્યું છે. આપણી ગ્રામીણ અર્થવ્યવસ્થામાં મહિલાઓ ફરી એકવાર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

પીએમ મોદીએ કહ્યું કે જે દેશ પોતાની વિરાસતની કદર નથી કરતો તે પોતાનું ભવિષ્ય પણ ગુમાવે છે. બાપુનો આ સાબરમતી આશ્રમ માત્ર દેશનો જ નહીં માનવજાતનો પણ ઐતિહાસિક વારસો છે. આઝાદી પછી અસ્તિત્વમાં આવેલી સરકારો પાસે દેશના આવા વારસાને બચાવવા માટે ન તો વિચાર હતો કે ન તો રાજકીય ઇચ્છાશક્તિ. એક તો ભારતને વિદેશી દ્રષ્ટિકોણથી જોવાની આદત અને બીજી રાજી કરવાની મજબૂરી. જેના કારણે ભારતની ધરોહર, આપણી મહાન વિરાસતનો નાશ થતો રહે છે. અતિક્રમણ, અસ્વચ્છતા, અવ્યવસ્થા વગેરેએ આપણા વારસાને ઘેરી લીધા છે.

તેમણે વધુમાં કહ્યું કે આ સમય દરમિયાન ’હર ઘર તિરંગા’ સમગ્ર દેશમાં દેશભક્તિની અભિવ્યક્તિનું ખૂબ જ શક્તિશાળી બની ગયું હતું. મેરી માટી-મેરા દેશ અભિયાન અંતર્ગત કરોડો દેશવાસીઓએ દેશના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

તેમણે કહ્યું કે આજે ૧૨મી માર્ચ એક ઐતિહાસિક તારીખ પણ છે. આ જ દિવસે બાપુએ આઝાદીની ચળવળનો માર્ગ બદલી નાખ્યો અને દાંડી કૂચ આઝાદીની ચળવળના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંક્તિ થઈ ગઈ.સ્વતંત્ર ભારતમાં પણ આ તારીખ એક નવા યુગની શરૂઆત કરતા આવા જ ઐતિહાસિક પ્રસંગની સાક્ષી બની છે. . ૧૨ માર્ચ, ૨૦૨૨ ના રોજ, દેશે આ સાબરમતી આશ્રમથી આઝાદીના અમૃત મહોત્સવની શરૂઆત કરી. દાંડી કૂચએ સ્વતંત્ર ભારતની પવિત્ર ભૂમિને નિર્ધારિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને અમૃત મહોત્સવની શરૂઆત અમૃત સમયગાળામાં ભારતના પ્રવેશને ચિહ્નિત કરે છે. અમૃત મહોત્સવે દેશમાં જનભાગીદારીનું એવું જ વાતાવરણ ઊભું કર્યું જે આઝાદી પહેલાં જોવા મળતું હતું.પીએમ મોદીએ કહ્યું કે પૂજ્ય બાપુનો આ સાબરમતી આશ્રમ હંમેશા અજોડ ઊર્જાનું જીવંત કેન્દ્ર રહ્યું છે. જ્યારે પણ દરેકને અહીં આવવાની તક મળે છે, ત્યારે આપણે આપણી અંદર બાપુની પ્રેરણાને સ્પષ્ટપણે અનુભવી શકીએ છીએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને ૮૫ હજાર કરોડ રેલવે પ્રોજેક્ટની ભેટ આપી છે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી રેલવે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યુ છે. સાથે જ ૧૦ નવી વંદે ભારત રેલને વડાપ્રધાન લીલીઝંડી આપી હતી આ સાથે જ વડાપ્રધાને આગામી ૫ વર્ષમાં ભારતીય રેલની કાયાકલ્પ કરવાની ગેરંટી આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીએફસીના ઓપરેશન કન્ટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી અને અહીંથી ૧૦ નવી વંદે ભારત રેલને વડાપ્રધાન લીલીઝંડી આપી. તો મોટી જનસભાને સંબોધન પણ કર્યુ હતુ. તેમણે રેલવેના ઇતિહાસમાં એક સાથે આટલો મોટો કાર્યક્રમ ક્યારેય નહીં થયો હોય, ૧૦૦ વર્ષમાં થયેલો આ મોટો કાર્યક્રમ છે. રેલવે વિભાગને આ કાર્યક્રમ માટે અભિનંદન આપુ છું.

વડાપ્રધાને કહ્યુ- વિકાસની ગતિને ધીમી નથી થવા દેવા માગતો, આ કાર્યક્રમમાં પેટ્રોલિયમનો કાર્યક્રમ પણ છે.દહેજમાં પેટ્રો કેમિકલ્સના પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ થયો છે. આજે જ ગુજરાત અને મહારાષ્ટ્રમાં એક્તા મોર્સનો પણ શિલાન્યાસ થયો છે. જે હસ્ત કળા,લોકલ ફોર વોકલના મિશન અંતર્ગત છે. તેમાં એક ભારત શ્રેષ્ઠ ભારતનો પાયો મજબૂત થતો જોવા મળશે. ૧૦ વર્ષ પહેલા નોર્થ ઇસ્ટના એક રાજ્યની રાજધાની પણ રેલવેથી જોડાયેલી નહોતી, રેલવે અકસ્માત પણ ઘણા થતા હતા, ૨૦૧૪માં માત્ર ૩૫ ટકા રેલવેનું ઇલેક્ટ્રીફીકેશન હતુ, જેના કારણે સામાન્ય પ્રજા મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. રેલવે રિઝર્વેશન માટે લાંબી લાઇન લાગતી, દલાલી અને કલાલોનું વેઇટિંગ રહેતુ હતુ. રેલવે સ્ટેશન પર સ્વચ્છતાનો અભાવ જોવા મળતો. હવે ભારતીય રેલવે વિભાગને નર્ક જેવી સ્થિતિમાંથી બહાર લવાયુ છે.

વંદે ભારત એક્સપ્રેસનો વિસ્તાર ૨૫૦થી વધુ જિલ્લા સુધી પહોંચી ગયા છે. વંદે ભારત ટ્રેનોના રુટ પણ વધારવામાં આવશે.વંદે ભારત એક્સપ્રેસ હવે ચંદીગઢ, પ્રયાગરાજ, મેંગલુરુ સુધી પહોંચશે.

ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ અંતર્ગત કાર્ગો ટર્મિનલ બનવાની ગતિ તેજ થઇ છે. ગતિ શક્તિ વિશ્વ વિદ્યાલયની સ્થાપના પણ થઇ છે. દેશના ખુણે ખુણાને રેલવેથી જોડવાના પ્રયત્નમાં લાગ્યા છે. રેલવેને ૧૦૦ ટકા ઇલેક્ટ્રીફીકેશન કરવા તરફ વધી રહ્યા છે.