
‘વિશ્વ કલ્યાણ માટે મોટી પહેલ’
સદગુરુ જગ્ગી વાસુદેવે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની સામાજિક કાર્યો માટે દાન આપવાના નિર્ણયની પ્રશંસા કરતા અભિનંદન પાઠવ્યા છે. નાના પુત્ર જીત અદાણીના લગ્ન પ્રસંગે ગૌતમભાઈએ આરોગ્ય સંભાળ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ જેવા સામાજિક કાર્યો માટે રૂ. 10,000 કરોડનું દાન આપ્યું છે. સદગુરુએ જણાવ્યું હતું કે તે માત્ર ભારતીયો મોટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે લેવાયેલું પ્રસંશનીય પગલું છે.
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ તેમના પુત્ર જીત અદાણીના લગ્ન સમયે સામાજિક કાર્યો માટે રૂ. 10,000 કરોડનું દાન આપવાની જાહેરાત કરી હતી. જીત અદાણી અને સુરતના પ્રખ્યાત હીરા વેપારી જૈમિન શાહની પુત્રી દિવાના લગ્ન 7 ફેબ્રુઆરીએ થયા હતા. આ પ્રસંગે માત્ર બંને પરિવારના સંબંધીઓ અને કેટલાક નજીકના પરિવારના મિત્રો જ હાજર રહ્યા હતા.
https://twitter.com/sadhgurujv/status/188790761822580784
સદગુરુ જગ્ગી વાસુદેવે X પર એક પોસ્ટમાં કહ્યું કે “આ એક ખૂબ જ પ્રશંસનીય પગલું છે, જેનો ભવિષ્યમાં સમગ્ર વિશ્વને ફાયદો થશે. તેમણે ઉમેર્યુ હતું કે, ‘1.4 બિલિયન સ્વસ્થ, પ્રેરિત, શિક્ષિત ભારતીયો બનાવવા માટેનું રોકાણ દેશને વિશ્વ માટે સમૃદ્ધિના પ્રતીકમાં પરિવર્તિત કરી શકે છે. આ દૂરંદેશી પહેલ માટે ગૌતમ અદાણીને અભિનંદન.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અદાણી ગ્રુપે દેશભરમાં ઓછામાં ઓછી 20 શાળાઓના નિર્માણ માટે 2,000 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી છે. ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના નાના પુત્રના લગ્ન સમયે ગ્રુપે 10,000 કરોડ રૂપિયા સખાવતી કાર્યોમાં ખર્ચ કરવાની જાહેરાત કરી હતી. અદાણી જૂથે અગાઉ હોસ્પિટલોના નિર્માણ માટે રૂ. 6,000 કરોડ અને કૌશલ્ય વિકાસ માટે રૂ. 2,000 કરોડની જાહેરાત પણ કરી હતી.
ગૌતમ અદાણીની આગેવાની હેઠળના સમૂહની સેવાકીય સંસ્થા અદાણી ફાઉન્ડેશને ‘ખાનગી K-12 શિક્ષણમાં વૈશ્વિક અગ્રણી જેમ્સ એજ્યુકેશન સાથે સમગ્ર દેશમાં શિક્ષણ મંદિરો સ્થાપવા સહયોગ કર્યો છે.’ ફાઉન્ડેશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અદાણી પરિવાર તરફથી રૂ. 2,000 કરોડના પ્રારંભિક યોગદાન સાથે આ ભાગીદારી સમાજના તમામ વર્ગના લોકો માટે વિશ્વ-સ્તરીય શિક્ષણ અને લર્નિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પોસાય તેવું બનાવવા પ્રાથમિકતા આપશે.” અદાણી ફાઉન્ડેશન હાલમાં 19 રાજ્યોના 6,769 ગામડાઓમાં કામ કરે છે