સડેલા ચોખા, લાકડાનો વેર અને એસિડથી બનાવતા હતા મસાલા, ૧૫ ટન નકલી માલ જપ્ત, ત્રણની ધરપકડ

નવીદિલ્હી, દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે કરાવલ નગરમાં બે ફેક્ટરીઓ પર દરોડા પાડી સડેલા ચોખા, લાકડાનો વેર, અને કેમિકલયુક્ત મસાલાઓ જપ્ત કર્યા છે. આ બંને ફેક્ટરીમાં ભેળસેળયુક્ત જોખમી ખાદ્ય ચીજોનું ઉત્પાદન થઈ રહ્યું હતું.

પોલીસે કરાવલ નગરમાં ૧૫ ટન બનાવટી મસાલા અને કાચો માલ જપ્ત કર્યો છે. આરોપી ખારી બાવલી, સધર્ન બજાર, લોની સહિત સમગ્ર એનસીઆર તથા અન્ય રાજ્યોમાં આ ભેળસેળવાળા મસાલા અને ખાદ્ય ચીજોનો સપ્લાય કરતો હતો. પોલીસની સૂચનાના આધારે ફૂડ સેટી વિભાગે મસાલાઓના સેમ્પલ લીધા છે.આરોપીની ઓળખ કરાવલ નગરમાં દિલીપ સિંહ બનામ બંટી (ઉ.વ. ૪૬), મુસ્તફાબાદના સરફરાજ (ઉ.વ.૩૨), અને લોનીના ખુર્શીદ મલિક (ઉ.વ.૪૨) તરીકે થઈ છે.

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, ઉત્તર-પૂર્વીય દિલ્હીમાં ઘણા ઉત્પાદકો અને દુકાનદારો જુદી-જુદી બ્રાન્ડના નામથી બનાવટી મસાલા તૈયાર કરી દિલ્હી-એનસીઆરમાં વેચી રહ્યા છે. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચની આગેવાનીમાં એક ટીમ આ કૌંભાંડનો પર્દાફાશ કરતાં બે ફેક્ટરીઓ પર દરોડા પાડ્યા હતા.

દરોડા દરમિયાન એક ફેક્ટરીમાંથી દિલિપ સિંહ, અને ખુર્શીદ મલિક નામના બે લોકો ઝડપાયા હતા. તેઓ બનાવટી મસાલા તૈયાર કરી રહ્યા હતા. પોલીસને જોતાં તેમણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટીમે તેમને ઝડપી પાડ્યા હતા.

બગડેલા ચોખા, બાજરો, નારિયેળ, જાંબુ, લાકડાનો વેર, કેમિકલ અને અન્ય વૃક્ષોની છાલમાંથી મસાલા તૈયાર કરવામાં આવી રહ્યા હતા. આરોપીઓએ જણાવ્યું કે, તેઓ ખારી બાવલી, સર્ધન બજારમાંથી બનાવટી મસાલા પશ્ર્ચિમી ઉત્તરપ્રદેશ સહિત જુદા-જુદા રાજ્યોમાં સપ્લાય કરી રહ્યા હતા.