સદનની મર્યાદા

સદનની મર્યાદા

૧૮મી લોક્સભાના પહેલા સંસદ સત્રના બે દિવસમાં સાંસદોના શપથગ્રહણ સમારોહ દરમ્યાન વિપક્ષી સાંસદોની રાજકીય નૌટંકી ખૂબ જોવા મળી. જ્યાં ઇન્ડી બ્લોકના કેટલાય સાંસદોએ બંધારણની નકલ હાથમાં લઈને શપથગ્રહણ કર્યા, તો એઆઇએમઆઇએમના વડા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ શપથ લેતાં પહેલાં ‘બિસ્મિલ્લાહ’ કહ્યું, જ્યારે શપથ લીધા બાદ ‘જય ભીમ, જય મીમ, જય તેલંગણા, જય ફિલિસ્તીન’ કહ્યું. કોંગ્રેસે જ સત્તામાં રહેતાં દેશ પર કટોકટી લાદી, જેમાં બંધારણના ધજાગરા ઉડાડ્યા, એ જ કોંગ્રેસના શાસન દરમ્યાન અનુચ્છેદ ૩૫૬નો સૌથી વધુ દુરુપયોગ થયો, કોંગ્રેસ શાસન દરમ્યાન જ પ્રાયોજિત રીતે શીખ રમખાણો થયાં, જે બંધારણનું સીધું ઉલ્લંઘન હતું, તેથી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની બંધારણની નકલ હાથમાં લઈને શપથ લેવા એક રાજકીય નાટકથી વધુ કશું નથી. રાહુલ ગાંધી એ જ શખ્સ છે જેમણે પોતાની જ સરકારના વટહૂકમને ફાડી નાખ્યો હતો, દેશે એ પણ જોયું છે, તેથી બંધારણનું સન્માન કરવાની સૌથી વધુ જરૂર કોંગ્રેસ અને રાહુલને છે.

ચૂંટણી પ્રચાર દરમ્યાન પોતાની વાત રજૂ કરવા અને ભાજપ પર રાજકીય હુમલા માટે બંધારણનો ઉલ્લેખ કરવો એ સમજાય છે, પરંતુ જે બંધારણની જોગવાઇ અંતર્ગત સરકારની રચના થઈ છે, જનતાએ એનડીએને બહુમતી આપી છે, કોંગ્રેસને વિપક્ષમાં બેસવાનો જનાદેશ આપ્યો છે, એ સ્થિતિનંએ સન્માન નહિ કરતાં સંસદમાં બંધારણની કોપીઓ લઈને શપથ લેવા એ જનાદેશનો અસ્વીકાર છે અને નકરો રાજકીય ડ્રામા છે. તેની સાથે જ ભારતીય સંસદમાં ભારતના બંધારણ પ્રત્યે નિષ્ઠાના શપથ લીધા બાદ ઓવૈસીનું પેલેસ્ટાઇનનું જયગાન કરવું સંસદીય મર્યાદાનું ઉલ્લંઘન છે. ભારતના ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને સાથે સારા સંબંધ છે, ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલતા યુદ્ઘને પેલેસ્ટાઇન સાથે જોડવું તથ્યોની જાણીજોઈને અવગણના કરવા સમાન છે. પેલેસ્ટાઇનની સરકાર વેસ્ટ બેંકમાં છે, ગાઝાપટ્ટી પેલેસ્ટાઇનનો હિસ્સો ચોક્કસ છે, પરંતુ એના પર આતંકી જૂથ હમાસનો કબ્જો છે. પેલેસ્ટાઇનની સરકાર ખુદ હમાસ સાથે સંઘર્ષ કરી રહી છે. હમાસને આતંકી જૂથ હૂતી અને હિઝબુલ્લા દ્વારા મદદ મળે છે. હૂતી લાલ અને અરબ સાગરમાં ભારતના જહાજ પર હુમલો કરતું રહે છે.

ભારત નીતિગત રૂપે આતંકવાદ વિરુદ્ઘ છે. પહેલાં હમાસે જ ઇઝરાયલ પર આતંકી હુમલો કર્યો, જેની ભારતે એ સમયે નિંદા કરી. આજે ઇઝરાયલ હમાસ વિરુદ્ઘ યુદ્ઘ લડી રહ્યું છે, નહિ કે પેલેસ્ટાઇન સરકાર વિરુદ્ઘ. એક તો આ થોપવામાં આવેલું યુદ્ઘ છે, બીજું ઇઝરાયલને પોતાની આત્મરક્ષાનો અધિકાર છે. એ છૂપું નથી કે મોટાભાગના મુસ્લિમ દેશો વિના કારણે ઇઝરાયલના દુશ્મન બનેલા છે. હાલમાં જ હમાસની મદદમાં ઇરાન અને ક્તાર આવી ગયા, આખરે એક રાષ્ટ્ર કોઈ આતંકી જૂથનો સાથ કેવી રીતે આપી શકે? ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ઘને ઇઝરાયલ અને પેલેસ્ટાઇનનું યુદ્ઘ ગણાવવું હમાસની આતંકી હરક્તને ઢાંકવા જેવું છે. આ બધી વાતો ઓવૈસીને ખબર જ છે, તેમ છતાં માત્ર ભાજપ પ્રત્યે વિરોધ વ્યક્ત કરવા પોતાની જ સંસદની મર્યાદાનું હનન કરતાં તેઓ ખચકાયા નહીં. સંસદે ઓવૈસી પર કાયદાસંમત કાર્યવાહી કરવી જોઇએ, જેથી ભવિષ્ય માટે દૃષ્ટાંત બને. ધર્મનિરપેક્ષ રાષ્ટ્રની સંસદમાં ધામક અને જાતિગત નારા પણ ન લાગવા જોઇએ, સંસદે એ પણ સુનિશ્ર્ચિત કરવું જોઇએ. બધા સાંસદો પોતાની સંસદ અને બંધારણની મર્યાદાની રક્ષા કરે, નહિ કે સંસદની ગરિમાનું હનન કરે.