સચિન પાયલટ બનાવશે પ્રોગ્રેસિવ કોંગ્રેસ, તારીખ પણ નક્કી થઈ ગઈ? પિતા રાજેશ પાયલટ સાથે જોડાણ

જયપુર, રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે અને આ દરમિયાન કોંગ્રેસમાં અંદરોઅંદર વિભાજન સુધી પહોંચી શકે છે. એવા અહેવાલ છે કે બળવાખોર સચિન પાયલટ અને અશોક ગેહલોત વચ્ચે કોઈપણ પ્રકારનું સંકલન કરવામાં હાઈકમાન્ડ નિષ્ફળ રહ્યું છે અને હવે ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ નવો રસ્તો નક્કી કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સચિન પાયલટે નિર્ણય લીધો છે કે તે નવી પાર્ટી બનાવશે.એટલું જ નહીં તેનું નામ પણ નક્કી કરવામાં આવ્યું છે. સચિન પાયલટ ‘પ્રોગ્રેસિવ કોંગ્રેસ’ નામની નવી પાર્ટી બનાવી શકે છે. આ નવી ટીમની જાહેરાત ૧૧ જૂને જયપુરમાં કરવામાં આવશે. આ દિવસે સચિન પાયલટના પિતા રાજેશ પાયલટની પુણ્યતિથિ પણ છે.

કોંગ્રેસ હાઈકમાન્ડે ભૂતકાળમાં અશોક ગેહલોત અને સચિન પાયલટને દિલ્હી બોલાવીને મુલાકાત કરી હતી. ત્યારે કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો હતો કે સચિન પાયલટ અને અશોક ગેહલોત સાથે મળીને કામ કરશે. ફોર્મ્યુલા હેઠળ સચિન પાયલટને પ્રદેશ અધ્યક્ષ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પણ જણાવાયું હતું. જો કે, સચિન પાયલટ કેમ્પ દ્વારા આવા અહેવાલોને ફગાવી દેવામાં આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે તેઓ તેમના મુદ્દાઓ પર ઉભા છે. હવે ચર્ચા છે કે સચિન પાયલટ ૧૧ જૂને જયપુરમાં રેલી કરશે અને હજારો સમર્થકોની હાજરીમાં નવી પાર્ટીની રચનાની જાહેરાત કરશે.

જો સચિન પાયલટ નવી પાર્ટી બનાવે છે તો તેની સાથે કોંગ્રેસના કેટલા ધારાસભ્યો જાય છે તેના પર પણ નિર્ભર રહેશે? આ સિવાય અશોક ગેહલોતની સરકાર સામે કોઈ ખતરો છે કે નહીં. અગાઉ ૨૦૨૦માં પણ જ્યારે સચિન પાયલટે બળવાખોર વલણ અપનાવ્યું હતું ત્યારે તેમની સાથે ૧૯ ધારાસભ્યો હતા. એવું માનવામાં આવે છે કે આ વખતે પણ ઘણા લોકો તેની સાથે રહી શકે છે. રાજસ્થાનના મુખ્યમંત્રી પદ માટે દાવેદારી દાખવી રહેલા સચિન પાયલટે પોતાની જ સરકાર પર અનેક આરોપો લગાવ્યા છે, જેમાંથી એક એ છે કે ભાજપની વસુંધરા સરકાર દરમિયાન ભ્રષ્ટાચારની કોઈ તપાસ થઈ નથી.

આ આરોપોને લઈને સચિન પાયલટે ૧૧ મેના રોજ યાત્રા શરૂ કરી હતી. અજમેરથી જયપુર સુધીની ૧૨૫ કિમીની સફર દરમિયાન સચિન પાયલટે ૧૫ દિવસની સમયમર્યાદા પણ આપી હતી, પરંતુ બંને પક્ષો વચ્ચે વાત પહોંચી શકી ન હતી. સચિન પાયલોટે કહ્યું હતું કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ સમગ્ર રાજ્યમાં આંદોલન કરશે.