નવીદિલ્હી,
ખાલિસ્તાની દળ ‘વારિસ પંજાબ દે’ હાલમાં શાંતિ અને સાંપ્રાદાયિક સંપ ખરાબ કરવા લાગ્યું છે. આ દળના મુખ્ય નેતા અમૃતપાલ સતત વિવાદિત નિવેદન આપી રહ્યાં છે અને હાલ ફરી તેણે ઝેર ઓક્યું છે. તેણે ભયાનક હિંસાની ધમકી આપી છે જે દેશની સુરક્ષા માટે એક ખતરા રુપ છે. તેણે અજનાલામાં બનેલી ઘટનાને હિંસા નથી ગણાવી, તેણે જણાવ્યું કે સાચી હિંસા તો હજુ બાકી છે. અમૃતપાલ સિંહે અજનાલામાં મીડિયાને સંબોધિત કરતા આવા વિવાદિત નિવેદનો આપ્યા હતા.
તેણે મીડિયા સામે કહ્યું કે, તમે નારેબાજી અને ખાલિસ્તાની ઝંડા લહેરાવાને હિંસા માની રહ્યા છો, તો તમે સાચી હિંસા તો હજુ જોઈ જ નથી, સાચી હિંસા જોવાની હજુ બાકી છે. જ્યાં ગુરુ ગ્રંથ સાહિબ, ગુરુબાણી અને ગુરુનાનક દેવજીએ અહિંસાનો પ્રચાર કર્યો, ત્યાં અમૃતપાલ સિંહે આગળ આવીને હિંસાને પવિત્ર ગણાવી હતી.
તેણે હિંસાને પવિત્ર ગણાવીને કહ્યું કે અન્યાયનો ભોગ બનેલા લોકો હિંસા પસંદ કરતા હોય છે. લોકો કહે છે હિંસા ખરાબ કામ છે પણ હિંસા ખુબ પવિત્ર છે. ગુરુ ગોબિંદ સિંહજીએ કહ્યું હતું કે, જ્યારે તમારી પાસે કોઈ વિકલ્પ નહીં હોય, ત્યારે તલવાર ઉઠાવવું યોગ્ય છે. આ ખાલિસ્તાન સમર્થક દળના નેતાએ સંકેત આપતા કહ્યું કે પંજાબની સંસ્કૃતિનું કથિત દમન અને સંસાધનોના દૂર ઉપયોગનો અંતિમ પરિણામ માત્ર હિંસા જ હશે.
અમૃતપાલે હિંસાનું સમર્થન કરતા આગળ કહ્યું છે કે, રાષ્ટ્રવાદનો દોરો બહુ પાતળો છેપ તે ગમે ત્યારે તૂટી શકે છે. આ દરમિયાન અમૃતપાલે બલૂચિસ્તાનનો મુદ્દો પણ ઉઠાવ્યો અને કહ્યું કે ભારતે બલૂચિસ્તાનમાં જે કર્યું છે, પાકિસ્તાન કાશ્મીરમાં પણ તે જ કરશે.
અમૃતપાલે ધમકી આપતા કહ્યું, કેન્દ્ર કે પંજાબ સરકાર અમને રોકી શકશે નહીં. અમે રાજકીય રમત રમવા માંગતા નથી. કોઈ અમને રોકી શક્તું નથી, ન તો સિકંદર રોકી શક્યું, ન મુઘલો, ન અંગ્રેજો તેને કચડી શક્યા, હિન્દુસ્તાન પણ તેને દબાવી શક્યું નહીં. પંજાબ એક દિવસ આઝાદ થશે. ખાલિસ્તાનની વિચારધારા અને ખાલિસ્તાન રાજનું સપનું ક્યારેય મરશે નહીં.