શહેરા,
શહેરા તાલુકા પંચાયતની પ્રમુખ, ઉપ પ્રમુખની ચૂંટણીમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ જેલમા રહેલ ને જીત મેળવેલ વાડી તાલુકા પંચાયત સભ્ય જે.બી. સોલંકીને પોલીસ જાપ્તા હેઠળ લાવવામા આવ્યા હતા. ચૂંટણી પક્રિયા પૂર્ણ થતા આરોપીને સબ જેલ લઈ જવામાં આવ્યો હતો. કચેરી ખાતે મોટી સંખ્યામાં તેના સમર્થકો ઉમટી આવ્યા હતા. કચેરી ખાતે સામાન્ય સભામા પ્રથમ વખત તાલુકા પંચાયત સભ્ય પોલીસ જાપ્તા હેઠળ લાવવામાં આવ્યો હોય તેવુ બન્યુ હતું.
શહેરા તાલુકાના વલ્લભપુર ગામ ખાતે રહેતા જશવંતસિંહ બળવંતસિંહ સોલંકી ઉર્ફે જે.બી. કોંગ્રેસ માથી વાડી તાલુકા બેઠક પર જીત મેળવી હતી. જશવંત સિંહ બળવંત સિંહ સોલંકી પર ગામમાં આવેલ જમીન પચાવી પાડવાને લઈને લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ થતા તેઓ ચૂંટણીનુ મતદાન પૂર્ણ થયા બાદ તે દિવસથી જેલ મા હતા. તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીપ્રક્રિયા હોવાથી તાલુકા પંચાયત સભ્ય વાડીના જે.બી.સોલંકીને સબ જેલ ગોધરાથી પોલીસ જાપ્તા હેઠળ તાલુકા પંચાયત કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા. તાલુકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જે.બી. સોલંકીના સમર્થકો મોટી સંખ્યામાં કચેરી ની બહાર જોવા મળી રહયા હતા. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા તાલુકા પંચાયત સભ્ય જે.બી.સોલંકી ને પરત સબ જેલ ગોધરા ખાતે લઇ જવામાં આવી રહયા હતા. ત્યારે તેમને પોતાના સમર્થકો ને પોતાના મતવિસ્તારમાં કોઈ સમસ્યા હોય તો મારા ઘરે કહેજો તે દૂર કરવામાં આવશે તેમજ જેલમાંથી વહેલી તકે બહાર આવીશ તેમ જણાવ્યું હતું. તાલુકા પંચાયતની ચૂંટણીમાં એક માત્ર કોંગ્રેસમાંથી જીત મેળવી હોય તો જે.બી.સોલંકી એ મેળવી હોવા છતાં કોંગ્રેસ પ્રમુખ તેમજ કોંગ્રેસના અગ્રણીઓ તાલુકા પંચાયત કચેરી ખાતે તેમને મળવા આવ્યા ન હતા. તાલુકા પંચાયત કચેરીની પ્રથમ સામાન્ય સભામા પ્રથમ વખત તાલુકા પંચાયત સભ્ય પોલીસ જાપ્તા હેઠળ લાવવામાં આવ્યો હોય તેવુ બન્યું હતું.
વધુ ગુનાના કારણોસર જામીન અરજી નામંજૂર
શહેરા વિસ્તારમાં ચકચાર જગાવનાર અને તાલુકા પંચાયતની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષ તરફથી લડનાર જશવંતસિંહ બળવંતસિંહ સોલંકી વિરૂદ્ધ શહેરા પોલીસ સ્ટેશન માં લેન્ડ ગ્રેબિગ એક્ટ ની વિવિધ જોગવાઈ હેઠળ ગુન્હો નોંધાયેલ જેમાં આરોપી દ્વારા અગાઉ આગોતરા જામીન અરજી નામદાર કોર્ટ માં દાખલ કરવામાં આવી હતી. જે કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી અને ત્યારબાદ તપાસ કરનાર અધિકારી આર.ઈ.દેસાઈ ડી.વાય.એસ.પી દ્વારા આરોપી ની ધરપકડ કરવામાં આવી હતી. જેથી આરોપી દ્વારા નિયમિત જામીન મેળવવા માટે સ્પેશિયલ કોર્ટ લેન્ડ ગ્રેબિગ જજ ડી.જે.શાહ ની કોર્ટ માં દાખલ કરવામાં આવી હતી. જે જામીન અરજી ના કામે કોર્ટ રૂબરૂ બન્ને પક્ષો દ્વારા લંબાણપૂર્વક ની દલીલો થતા જામીન અરજી નામંજૂર કરી છે.