સાબરકાંઠાના પોશીના તલોદ અને પ્રાંતિજ સહિતના વિસ્તારોમાં મેઘમહેર,ખેડૂતો ખુશ

  • ઉપરવાસ રાજસ્થાન અને ગુજરાત સરહદી વિસ્તારમાં વરસાદી માહોલને પગલે સાબરમતી નદીમાં પાણીની આવક નોંધાઇ.

હિંમતનગર, સાબરકાંઠા જીલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મોટાભાગના તાલુકાઓમાં વરસાદ નોંધપાત્ર નોંધાયો છે ખાસ કરીને જિલ્લાના ઉપરવાસના ગણાતા તાલુકા પોશીના વિસ્તારમાં ચાર ઇચ જેટલો વરસાદ વરસ્યો હતો.તલોદમાં સવા બે ઇચ જેટલો વરસાદ નોંધાયો હતો સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી કેટલાક વિસ્તારોમાં વરસાદનુું જોર જોવા મળી રહ્યું છે ખેડૂતો વરસાદને લઇ ખુશખુશાલ છે અને વાવણી માટે લાભકારક વરસાદ વરસી રહેતા આનંદ છવાયો છે.સાબરમતી અને પનારી નદીમાં પણ પાણી આવતા રાહત સર્જાઇ છે.

જીલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં મોડી સાંજે હળવા ઝાપટા કેટલાક વિસ્તારમાં વરસ્યા હતાં આ સિવાય શહેરમાં વરસાદ શૂન્ય નોંધાયો હતો જો કે હિંમતનગરના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો મોડી રાત્રે પણ કેટલાક વિસ્તારમાં હળવા ઝાપટા વરસ્યા હતાં.

સૌથી વધુ વરસાદ સાબરકાંઠા જીલ્લામાં પોશીના તાલુકામાં નોંધાયો હતો પોશીના તાલુકામાં ચાર ઇચ જેટલો વરસાદ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વરસ્યો હતો સાડા ત્રણ ઇચ જેટલો વરસાદ શનિવારે મોડી સાંજ બાદ વરસ્યો હતો રાત્રીના આઠથી ૧૦ કલાકના અરસા દરમિયાન પોશીના વિસ્તારમાં આભ ફાટયું હોય એમ ધોધમાર વરસાદ વરસ્યો હતો માત્ર બે કલાકમાં જ સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો આ પહેલા સવારે કલાક દરમિયાન માહોલ વરસાદી રહ્યો હતો અને પોણો ઇચ જેટલો વરસાદ નોંધાયો હતો.વિસ્તારમાં વરસાદને લઇ પોશીના વિસ્તારમાંથી પસાર થતી સાબરમતકી સેઇ અને થનારી નદીમાં નવા પાણીની આવક નોંધાઇ હતી.

તલોદમાં બે ઇચ જેટલો વરસાદ વરસ્યો હતો તલોદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો આ ઉપરાંત પ્રાંતિજ વિસ્તારમાં એક ઇચ જેટલો વરસાદ નોંધાયો હતો પ્રાંતિજમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ જવા પામ્યા હતાં તલોગના હરસોલ અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો હ૮તો વિસ્તારમાં ધોધમાર વરસાદને લઇ ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતાં.

ઉપરવાસ રાજસ્થાન અને ગુજરાત સરહદી વિસ્તારમાં વરસાદી માહોલને પગલે સાબરમતી નદીમાં પાણીની આવક નોંધાઇ છે.આ ઉપરાંત સાબરમતીની ઉપનદીઓ સેઇ અને થનારી નદીમાં પણ પાણીની આવક થવાને લઇ ધરોઇ ડેમમાં પાણીની આવક નોંધાઇ હતી ધરોઇમાં શનિવારે મધ્યરાત્રિ બાદ પાણીની આવકમાં વધારો થવાની શરૂઆત થઇ હતી જે સવારે પાંચ કલાકના અરસા દરમિયાન વધીને ૧૪,૭૨૨ કયુસેક પર પહોંચી હતી સવારે આઠ કલાક સુધી આટલી આવક જળવાઇ રહી હતી નવી આવકને લઇ ધરોઇની સપાટીમાં વધારો નોંધાયો હતો હાલમાં ડેમની સપાટી ૬૦૯ ફુટને વટાવી ચુકી છે.