સાબરકાંઠા: હાથમતી નદીમાં ન્હાવા ગયેલા સાત કિશોરોમાંથી બે વહેણમાં તણાયા, બંનેના મોત


હિંમતનગર,
સાબરકાંઠાના ડેમાઈ અને પ્રતાપુરા વચ્ચે આવેલી હાથમતી નદીમાં કરૂણાતિકા સર્જાઇ છે. આ નદીમાં ૭ કિશોરો નાહવા પડ્યા હતા જેમાંથી બે બાળકો ડૂબ્યા હોવાનં સમાચાર સામે આવી રહ્યા છે. નદીમાં નાહવા ગયેલા ૭ પૈકી ૨ બાળકો ડૂબતા સ્થાનિકોને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિકો તથા ફાયર વિભાગની ટીમે શોધખોળ હાથ ધરી હતી. શનિવારે મોડી સાંજે તપાસ કરતા નદીમાંથી બાળકોના મૃતદેહને બહાર કાઠ્યા હતા. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે.

નદીના વહેણમાં ડુબી ગયેલા રાવળ વિશાલભાઇ રાજુભાઇ (ઉં.વ.૧૬, રહે. વિરાવાડા) તથા વણઝારા રાહુલ કાન્તીજી (ઉં.વ.૧૬, રહે.વિરાવાડા)ના મૃતદેહો પાણીમાંથી બહાર કાઢ્યા હતા. બન્ને મૃતક કિશોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા બાદ પોલીસ દ્વારા પંચનામાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ગોઝારી ઘટનાને કારણે પરિવારો અને આખા પંથકમાં શોકનો માહોલ છવાયો છે.

આ ગોઝારી ઘટના અંગે હિંમતનગર ફાયર બ્રિગેડના ઇન્ચાજ ચીફ ફાયર ઓફિસર રાજેન્દ્રસિહ પરમારે મીડિયાને આપેલી જાણકારી પ્રમાણે, હિંમતનગર તાલુકાના ડેમાઇ તથા પ્રતાપુરા વચ્ચે પસાર થતી હાથમતી નદીમાં વહેતુ પાણી છે. શનિવારે સાંજે વિરાવાડા ગામના ૭ કિશોરો નદીના પાણીમાં ન્હાવા ગયા હતા. તે દરમિયાન અચાનક ૨ કિશોરો ડૂબવા લાગ્યા હતા.
જેથી બુમાબુમ થતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. જે અંગે હિંમતનગર ફાયર બ્રીગેડને જાણ કરતા ફાયર બ્રીગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. કિશોરોની શોધખોળ હાથ ધરી હતી. જેમાં મોડી સાંજે પ્રથમ એક અને બાદમાં અન્ય એક કિશોર એમ બે કિશોરોના મૃતદેહો નદીમાંથી મળી આવ્યા હતા.