સાબરકાંઠામાં નિવૃત્ત પોલીસ કર્મી અને પત્નીની ઘરમાં જ હત્યા કરાઇ

હિંમતનગર, સાબરકાંઠામાં કાયદાના શાસનના જાણે લીરેલીરા ઉડી ગયા હોય તેવી સ્થિતિ છે. નિવૃત્ત પોલીસ કર્મચારી અને પત્નીની ઘરમાં જ હત્યા કરવામાં આવી છે. અજાણ્યા વ્યક્તિઓ દ્વારા આ હત્યા કરવામાં આવી છે. તીક્ષ્ણ શસ્ત્ર વડે પતિપત્નીની હત્યા કરવામાં આવી છે. નિવૃત્ત દંપતીની હત્યાના પગલે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે.

જિલ્લા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. તેણે બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. નિવૃત્ત પોલીસ કર્મચારીની હત્યાથી પોલીસ પણ આંચકો પામી ગઈ છે. પોલીસે તરત જ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. નજીકના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ પણ મંગાવ્યા છે. આ ઉપરાંત હાઇવે પર પણ સઘન ચેકિંગ કર્યુ છે. જો કે પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમના રિપોર્ટ પછી જ આ કિસ્સામાં વધારે પ્રકાશ પાડી શકાશે.