સબરીમાલા મંદિરમાં થયેલ ભાગદોડ મુદ્દે કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીનો ભભુક્યો ગુસ્સો, સીએમ પી. વિજયનને પત્ર લખ્યો 

સબરીમાલા મંદિરમાં 17 નવેમ્બરથી શરૂ થયેલી નવી સિઝનમાં રોજના લગભગ સવા લાખ શ્રદ્ધાળુ પહોંચી રહ્યા છે. ભીડને કારણે અહીં ભક્તોની લાંબી લાઈનો જોવા મળે છે. એજ કારણે મંદિરની અંદર દર્શન માટે લગભગ 18થી 20 કલાક લાગી જાય છે. પ્રશાસન બેકાબુ ભીડ પર નિયંત્રણ નથી કરી શક્તુ જેના કારણે ભાગદોડની સ્થિતિ સર્જાય છે અને દુર્ઘટના સર્જાય છે.

હાલમાં જ સબરીમાલા મંદિરમાં થયેલી ભાગદોડ દરમિયાન એક યુવતીના મોત બાદ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જી કિશન રેડ્ડીએ કેરલના મુખ્યમંત્રી પિનારાઈ વિજયનને પત્ર લખ્યો છે. તેમણે દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યુ સાથે જ સબરીમાલા મંદિર અને ભગવાન અયપ્પાના ભક્તોની 40 દિવસીય આધ્યાત્મિક યાત્રાના મહત્વનો પણ ઉલ્લેખ કર્યો છે. જી. કિશન રેડ્ડીએ તેમના પત્રમાં મંદિરની અંદર સુરક્ષા-વ્યવસ્થાને લઈને સવાલ ઉઠાવ્યા છે. તેમણે સરકાર સમક્ષ જરૂરી કાર્યવાહી કરવાની પણ માગ કરી છે.

કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીએ મુખ્યમંત્રીને લખ્યુ કે દર વર્ષે લગભગ 1 કરોડ ભક્તો સબરીમાલા મંદિરે દર્શનાર્થે આવે છે. જેમાં મોટાભાગના નવેમ્બર અને જાન્યુઆરી વચ્ચે ભગવાન અયપ્પાના દર્શન કરે છે. તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં તેમના ભક્તોની સંખ્યા 15 લાખથી વધુ છે. પરંતુ જાણવા મળી રહ્યુ છે કે અયપ્પા સ્વામી ભક્તોને પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યાં સુધી કે દર્શનની રાહે એક યુવતીનું મોત થઈ ગયુ. જે ઘણુ દુ:ખદ છે.

પોતાના પત્રના માધ્યમથી કેન્દ્રીય મંત્રીએ કેરલના મુખ્યમંત્રીને અનુરોધ કર્યો કે મંદિરની અંદર એવી વ્યવસ્થા કરવામાં આવે જેનાથી ભક્તોને ભગવાનના દર્શન કરવા માટે રાહ ન જોવી પડે. તેમણે સરકારને મંદિરની અંદર પર્યાપ્ત કર્મીઓ અને કર્મચારીઓને તૈનાત કરવાનો પણ અનુરોધ કર્યો. તેમણે જણાવ્યુ કે સબરીમાલાની યાત્રા દરમિયાન ભક્તોને ભોજન, પાણી, તબીબી મદદ અને સ્વચ્છતા જેવી પાયાની સુવિધા મળવી જોઈએ.

જી. કિશન રેડ્ડીએ કહ્યુ કે રાજ્ય સરકાર ભગવાન અયપ્પાના દર્શનાર્થે આવતા ભક્તોને કોઈ અસુવિધા વિના એક સુરક્ષિત માર્ગ પ્રદાન કરે. ભારત સરકાર આ અંગે તેમના તરફથી બનતી મદદ કરવા માટે તૈયાર છે. તેમણે જણાવ્યુ કે હું તમને બિન સરકારી સંગઠનોને પરવાનગી આપવા અંગે પણ ફેર વિચાર કરવા અનુરોધ કરુ છુ. જે મંદિર પરિસર અને પમ્પાથી સન્નિધાનમ સુધી મદદ કરવા માટે તૈયાર છે.