સાબરડેરીની ચૂંટણી યોજવાની પ્રક્રિયા શરુ, ‘અમૂલ’ ને લઈ સૌની નજર મંડરાઇ

હિંમતનગર, સાબરડેરીની મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ સાથે જ સાબરડેરીની સામાન્ય ચૂંટણીની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. મતદાર યાદી પ્રસિદ્ધ કરવા સાથે જ હવે ચૂંટણીનું શેડ્યૂલ જાહેર કરવામાં આવશે. મતદાર યાદી સામે વાંધો રજૂ કરવા માટે અપાયેલ સમય બાદ સુનાવણી કરીને શેડ્યૂલ જાહેર કરવામાં આવશે. આ સાથે જ હવે રાજ્ય ભરના સહકારી રાજકારણની નજર આ તરફ મંડરાઈ છે.

ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના ચેરમેન પદે શામળ પટેલ છે. જેઓ સાબરડેરીના ચેરમેન છે, જેના પાયા પર જ તેઓ અમૂલની કમાન સંભાળી રહ્યા છે. શામળ પટેલ માટે આ મહત્વની ચૂંટણી છે અને તેમાં જીત તેઓને અમૂલના પદને જાળવી શકે છે. આ માટે રાજ્ય ભરના સહકારી રાજકારણની નજર અહીં મંડરાઈ છે.

સાબરડેરી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ કરતા વધારે પશુપાલકો માટે જીવાદોરી સમાન છે. જેને લઈ સાડા ત્રણ લાખ પશુપાલકોની નજર પણ હવે સાબરડેરી પર મંડરાઈ છે. સાબરડેરીની મતદાર યાદી બુધવાર એટલે કે ૩૧ જાન્યુઆરીથી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં દર્શાવ્યુ છે કે, આગામી ૬, જાન્યુઆરી સુધી મતદાર યાદી અંગે વાંધા, દાવા અને હક્ક રજૂ કરી શકાશે. જે નાયબ ક્લેકટર હિંમતનગરની કચેરીએ રજૂ કરી શકાશે.ત્યાર બાદ હક્ક અને દાવા, વાંધાની રુબરુ સુનાવણી ૭મી જાન્યુઆરીએ સવારે ૧૧ ક્લાકથી યોજવામાં આવશે. જેના બાદ આખરી મતદાર યાદી પ્રસિદ્ધિ ૯મી જાન્યુઆરી ને શુક્રવારે થશે. આ સાથે જ ચૂંટણીના શેડ્યૂલને પણ જાહેર કરવામાં આવી શકે છે.

આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી કાર્યક્રમને જાહેર કરવામાં આવશે. આમ આગામી એક મહિનામાં જ સાબરડેરીનું નવુ નિયામક મંડળ ચૂંટાઈ આવશે. સાથે જ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માર્ચમાં પૂર્ણ થઈ શકે છે.

ચૂંટણીની પ્રક્રિયા શરુ થવા સાથે જ બંને જિલ્લાના સહકારી રાજકારણીઓ દોડતા થઈ ચૂક્યા છે. કેટલાક નેતાઓ મેન્ડેટ માટે દોડતા થયા છે, તો કેટલાક હરીફને મેન્ડેટ ના મળે એ માટે પ્રયાસોમાં લાગી ચૂક્યા છે.