સાબરડેરી ચૂંટણીમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સામે ભાજપ ઉમેદવારની હાર થઇ

હિંમતનગર, સાબરડેરીની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ૧૫ ઉમેદવારો બિનહરીફ જીત મેળવી ચૂક્યા છે. પરંતુ રવિવારે એટલે કે ૧૦ માર્ચે એક બેઠક માટે થયેલા મતદાન બાદ સોમવારે મતગણતરી હાથ ધરાઇ હતી. મતગણતરી પૂર્ણ થતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશુ પટેલનો વિજય થયો હતો. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશુ પટેલે મોટી સરસાઇથી માલપુર બેઠક પર વિજય મેળવ્યો છે.ગઈકાલે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ૯૧૦ મતદારો પૈકી ૯૦૪ મતદારોએ મતદાન કર્યું હતું. જેમાંથી ૫૭૪ મત જશુભાઈ પટેલને અને હસમુખભાઈ પટેલને ૩૨૭ મત મળ્યા હતા. જ્યારે ત્રણ મત રદ ગયા હતા.

ભાજપે માલપુર બેઠક પર હસમુખ પટેલને મેન્ડેટ આપ્યુ હતુ. તેમનો સાબરડેરીની ચૂંટણીમાં પરાજય થયો હતો. ચૂંટણીમાં સવાસો કરતા વધારે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જે ફોર્મ ચકાસણી વખતે ૭૬ જેટલા રહ્યા હતા. પરંતુ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે ઐતિહાસિક સ્થિતિ ચૂંટણીમાં જોવા મળી હતી. ૧૬ પૈકીની ૧૫ બેઠકો બિનહરિફ થઈ હતી. શામળ પટેલ અને તેમના માર્ગદર્શકોએ ફોન ગૂમાવીને સાબરડેરીને કલાકોમાં જ બિનહરિફ કરવાનો સંકલ્પ પૂરો કરતા ભાજપના ૧૫ ઉમેદવારો બિનહરિફ વિજય થયા હતા. જોકે ભાજપે એક માત્ર બેઠકની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

સાબરડેરીના ડિરેક્ટરોની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઇ છે. હવે સાબરડેરીના ચેરમેન પદ માટેની ચૂંટણીની તારીખ જાહેર થાય એની રાહ જોવામાં આવશે. જે જાહેર થવા સાથે જ શામળ પટેલે ચેરમેન પદ જાળવી રાખવા માટે પ્રયાસ કરવો પડશે. સાબરડેરીમાં ચેરમેન પદ જાળવી રાખવામાં સફળતા મળવા સાથે જ જીસીએમએમએફના ચેરમેન પદ એટલે કે અમૂલની સત્તા જાળવી રાખવામાં સફળતા પાર પાડી લેશે.