સાબરડેરીની ચૂંટણીમાં દિગ્ગજોના રાજકીય ભવિષ્ય દાવ પર! મેન્ડેટ માટે ગાંધીનગર તરફ નજર

હિંમતનગર,સાબરડેરીની ચૂંટણીને લઇ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં સહકારી રાજકારણનો માહોલ ગરમ બન્યો છે. રાજકીય નેતાઓ પણ પોતાના ટેકેદારોને સાબરડેરીમાં ચૂંટણી ઉમેદવાર તરીકે જોઇ રહ્યા છે. આ માટે ભાજપના આગેવાનો તેમના ટેકેદારોને મેન્ડેટ મળે એ માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. જોકે હવે મેન્ડેટ મેળવવા માટે હવે આખરી સમય ગણાઇ રહ્યો છે.

એક તરફ પ્રદેશ ભાજપ હાલમાં લોક્સભાની ચૂંટણીને લઈ ઉમેદવારો પસંદ કરવા માટેની પ્રક્રિયામાં વ્યસ્ત છે. જ્યાં બીજી તરફ સાબરડેરીની ચૂંટણીને લઈ તેના મેન્ડેટ માટે પણ સૌની નજર હવે કમલમ તરફ મંડરાઇ રહી છે. જ્યાંથી ઉમેદવારો માટે મેન્ડેટની યાદી જાહેર ક્યારે થશે એની રાહ જોવામાં આવી રહી છે.

કોંગ્રેસ સાબરડેરીની ચૂંટણીમાં પહેલાથી જ અળગી રહી છે. ત્યાં બીજી તરફ ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવનાર હોવાને લઈ સૌની નજર કમલમ તરફ છે. હવે અંતિમ સમય મેન્ડેટ મળવાની રાહ જોવાનો થઇ ચૂક્યો છે. ઉમેદવારોના જીવ પણ હાલના સમયમાં ઉંચા થઇ ચૂક્યા છે. કારણ કે એવા અનેક ઉમેદવારો છે કે, જેઓ ભાજપના મેન્ડેટ મળે તો જ ચૂંટણી લડવા માટે મેદાને પડ્યા છે. તો આ તરફ કેટલાક ઉમેદવારો મેન્ડેટની યાદીમાં નામ ના હોય તો બળવો કરવાના મૂડમાં જણાઈ રહ્યા છે.

આ દરમિયાન હવે મેન્ડેટની યાદી ક્યારે જાહેર થશે એની રાહ જોવાઈ રહી છે. મેન્ડેટ માટે દિગ્ગજો ક્તારમાં ઉભા છે. જેમાં કેટલાક દિગ્ગજોને મેન્ડેટનો લાભ ના મળે તો, સહકારી રાજકારણ ખતમ થઈ જાય એવી સ્થિતિ છે. આ માટે તેમને મન મેન્ડેટ એ રાજકીય ઓક્સીજન છે. સહકારી અગ્રણીઓ અત્યાર સુધી એક હથ્થું શાસન ચલાવી ચૂક્યા છે, તેઓના માટે હાલમાં મેન્ડેટ વિના જીત મેળવવી મુશ્કેલ લાગી રહી છે. તો મેન્ડેટ સામે પડીને ઉમેદવારી કરવી અને જીતવુ અશક્ય જણાઇ રહ્યુ છે. આવામાં આવા દિગ્ગજે મેન્ડેટ નહીં મળતા ઉમેદવારી પરત ખેંચવાની મજબૂરી રહેશે.

૧૬ માંથી ૨ બેઠકો બિન હરિફ જાહેર થઇ છે. જેમાં વર્તમાન ચેરમેન શામળ પટેલ બાયડથી અને જયંતિ પટેલ મેઘરજથી બિનહરિફ જાહેર થયા છે. હવે ૧૪ બેઠકો માટે હાલમાં ૭૬ ઉમેદવારો મેદાને છે. ભાજપ દ્વારા મેન્ડેટ જાહેર થયા બાદ ગુરુવારે આ આંકડો ઘટીને અડધાથી ઓછો થઇ શકે છે. જોકે કેટલાકને મન મેન્ડેટ સામે લડી લેવાનો મૂડ છે.

નવા અને યુવા ચહેરાઓ પણ મેદાને પડ્યા છે અને તેઓએ મેન્ડેટની માંગણી કરી છે.તો સામાજિક સમીકરણ પણ ગણાવીને ભાજપમાં પ્રદેશ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. તો વળી છેલ્લા કેટલાક સમયથી સૌથી ઓછા મત ધરાવતા ચોક્કસ સમૂહને જ સહકારી અને સ્થાનિક સ્વરાજ્યમાં સ્થાન આપવાને લઈને પણ આંતરિક રોષ વ્યાપ્યો છે. જેને લઈ આવા સમૂહથી આવતા સહકારી આગેવાનની આ રણનિતી સામે પણ કેટલાકે બાંયો ચડાવીને ઉચ્ચ સ્તરે રજૂઆત કરી છે.