એસ.કે.લાંગાની બેનામી સંપત્તિનો પર્દાફાશ : જૂનાગઢમાં ૪ બંગલા, માતરમાં જમીન, અમદાવાદમાં ફ્લેટ

ગાંધીનગર, ગાંધીનગરના પૂર્વ આઇએએસ એસ.કે.લાંગાની જમીન કૌભાંડ મામલે ગઈકાલે માઉન્ટ આબુથી ધરપકડ કરવામાં આવી છે. જે બાદ તેઓને માઉન્ટ આબુથી ગાંધીનગર એસપી કચેરી ખાતે લાવવામાં આવ્યા છે.એસપી ઓફિસમાં પોલીસે એસ.કે લાંગાની પૂછપરછ શરૂ કરી છે. ત્યારે આ મામલે રેન્જ આઇજી અભય ચુડાસમા દ્વારા પત્રકાર પરિષદ યોજીને વિગતવાર માહિતી આપવામાં આવી છે.

રેન્જ આઇજી અભય ચુડાસમાએ જણાવ્યું કે, ૨૦૧૮-૧૯ના ગાળમાં ગાંધીનગર કલેક્ટર તરીકે રહેલા એસ.કે. લાંગા વિરુદ્ધ મામલદારે સરકાર તરફથી ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે મૂળસાણા, પેથાપુર સહિતના ગામોની જમીનમાં વહીવટી ગેરરીતિ આચરી આર્થિક લાભ મેળવી સરકારને કરોડોનું નુક્સાન પહોંચાડ્યાની અને અપ્રમાણસર મિલક્ત વસાવ્યાની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ માટે ડીવાયએસપી અમી પટેલના નેતૃત્વ હેઠળ એક ખાસ ટીમની રચના કરવામાં આવી હતી.

તેમણે જણાવ્યું કે, આ કેસમાં એસ.કે.લાંગા ફરાર હતા, તેમની ધરપકડ માટે પોલીસ પ્રયાસો કરી રહી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે લાંગા માઉન્ટ આબુમાં સંતાયેલા છે. જે બાદ એસઆઇટી ટીમ ત્યાં પહોંચી હતી. માઉન્ટ આબુના એક મકાનમાં એસઆઇટી ટીમે ઇલેક્ટ્રિસિટી બિલ માટે આવ્યાનું કહીને દરવાજો ખોલાવ્યો હતો. આ દરમિયાન એસ.કે.લાંગા અંદરથી મળી આવ્યા હતા. જે બાદ તેમને માઉન્ટ આબુથી ગાંધીનગર લાવવામાં આવ્યા હતા. હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે. એસ.કે.લાંગાના રિમાન્ડ મેળવવામાં આવશે. રિમાન્ડ બાદ તેમની વિસ્તૃત પૂછપરછ કરવામાં આવશે. જે કાઈ હકીક્તો નીકળશે તે આપને જણાવવામાં આવશે.

વધુમાં અભય ચુડાસમાએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં ૨૦ કરોડનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. તપાસમાં મૂળસાણા, પેથાપુર ગામનું પ્રકરણ સામે આવ્યું છે. તપાસમાં બેનામી સંપત્તિની માહિતી મળી છે. તેમની પાસે જૂનાગઢમાં ૪ બંગલા અને માતરમાં જમીન છે. હજી ઘણી બધી માહિતી સામે આવી રહી છે. એસ.કે.લાંગાની અનેક પ્રોપર્ટી પણ મળી આવી છે. જમીન પ્રમાણપત્ર પણ શંકાસ્પદ છે. બળવંત ગઢવી નામના પાર્ટનરનું નામ સામે આવ્યું છે. વધુ વિગતો પૂછપરછ બાદ સામે આવશે.