ચેન્નાઇ,આઇપીએલ ૨૦૨૪માં ૩૯મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી આ મેચમાં લખનૌએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ પ્રથમ બેટિંગ કરતા સીએસકેએ ૨૦ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ૨૧૦ રન બનાવ્યા હતા. ચેન્નાઈ માટે બેટિંગ કરતા સીએસકેના કેપ્ટન ૠતુરાજ ગાયકવાડે શાનદાર સદી રમી હતી. આઇપીએલના ઇતિહાસમાં ગાયકવાડની આ બીજી સદી છે.
આ મેચમાં ૠતુરાજ ગાયકવાડ એક અલગ જ લયમાં જોવા મળ્યો હતો. શરૂઆતથી જ ગાયકવાડે લખનૌ સુપર જાયન્ટ્સના બોલરો પર તબાહી મચાવી હતી. આ મેચમાં ગાયકવાડે બોલરોને જોરદાર માર માર્યો હતો. બેટિંગ કરતી વખતે ગાયકવાડે ૬૦ બોલમાં ૧૦૮ રનની અણનમ ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગ દરમિયાન ગાયકવાડે ૧૨ ફોર અને ૩ શાનદાર સિક્સર ફટકારી હતી. ૠતુરાજ ગાયકવાડ હવે આઇપીએલ ઇતિહાસમાં સીએસકે માટે સદી ફટકારનાર પ્રથમ કેપ્ટન બની ગયો છે. આ પહેલા સીએસકેનો કોઈ કેપ્ટન આ સિદ્ધિ હાંસલ કરી શક્યો ન હતો.