
વોશિગ્ટન,
રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે ભારતે સતત રશિયન ઓઈલની આયાત કરી છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને પણ ભારતની આ વિદેશ નીતિની પ્રશંસા કરી છે. પરંતુ કેટલાક દેશો એવા પણ હતા જેઓ ભારત પર પ્રતિબંધ લાદવાની વાત કરી રહ્યા હતા. હવે અમેરિકાએ તે તમામ માંગણીઓને સદંતર ફગાવી દીધી છે અને એ વાત પર ભાર મૂકીને કહ્યું છે કે, ભારત પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ લાદવામાં આવશે નહીં.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ સેક્રેટરી કેરેન ડોનફ્રાઈડે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, અમે ભારત પર કોઈ પ્રતિબંધ લાદવાના નથી. ભારત સાથેના અમારા સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે ભારતના એ પગલાને પણ આવકારીએ છીએ જેમાં યુક્રેનને તેના તરફથી માનવતાવાદી સહાય આપવામાં આવી હતી. ભારતે જે રીતે રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાની અપીલ કરી હતી તે નિવેદનને પણ આવકારવું જોઈએ. હવે આ નિવેદન એટલા માટે મહત્વનું છે કારણ કે યુદ્ધના મધ્યમાં રશિયન ઓઈલની આયાત એક મોટો મુદ્દો બની ગયો હતો. કારણ કે અમેરિકા રશિયાને આર્થીક રીતે સંપૂર્ણપણે નબળું પાડવા માગતું હતું. આવી સ્થિતિમાં તેનો મુખ્ય ઉદ્દેશ્ય તેના ઓઈલ સપ્લાઈને નુક્સાન પહોંચાડવાનો હતો. પરંતુ વાત જ્યારે ભારતની આવી ત્યારે નિયંત્રણો લાદવા કરતાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ જ મજબૂત બનેલા સંબંધો પર વધારે ધ્યાન આપવામાં આવ્યુ છે. અમેરિકાએ આ એક નિવેદનથી સ્પષ્ટ કરી દીધું છે કે, તે ભારતનો પક્ષ છોડી શકે નહીં. તે તેના કેટલાક નિયમોમાં ફેરફાર કરી શકે છે પરંતુ ભારતને પોતાનાથી અલગ થવા દેતો નથી. જો કે, અમેરિકાએ ભારતને લઈને નરમાઈ બતાવી છે પરંતુ રશિયા પર તેનું કડક વલણ યથાવત છે. રશિયાના ઈરાદા પર સવાલ ઉઠાવતા યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી રિસોસસના આસિસ્ટન્ટ સેક્રેટરી જ્યોફ્રી પ્યાટે કહ્યું કે, જે રીતે રશિયન રાષ્ટ્રપતિએ ઓઈલ અને ગેસના સંસાધનોનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે ત્યારબાદ તે વિશ્ર્વસનીય તેલ સપ્લાયર તો ન જ બની શકે.