
- સૈનિકોને ભોંયરામાં બંધ કરીને માર મારવામાં આવ્યા.
મોસ્કો,
રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયા યૂક્રેન માટે લડવાનો ઇનકાર કરનારા પોતાના જ સૈનિકોને કેદ કરી રહ્યું છે. રશિયામાં આવા સૈનિકોને શારીરિક રીતે નુક્સાન પણ કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટમાં રશિયન સૈનિકો અને તેમના પરિવારોની વાતચીતનો પણ ઉલ્લેખ છે જેમાં તેમણે મોસ્કોની આ ક્રૂર યોજનાનો ખુલાસો કર્યો હતો.
અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે સૈનિકોને ખૂબ જ થોડી માહિતી સાથે આગળ વધવાનો આદેશ આપવામાં આવી રહ્યો છે. એક અહેવાલમાં બે રશિયન સૈનિકોને ટાંકીને કહેવામા આવ્યું કે તેમાંથી એકે પોતાના સાથીઓને કોઈ પણ સપોર્ટ સિસ્ટમ વિના મૃત્યુનો સામનો કરવા દેવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ તેને એક રૂમમાં બંધ કરીને માર મારવામાં આવ્યો હતો. અન્ય એક સૈનિકે કહ્યું કે જ્યારે યૂક્રેન પર આક્રમણ શરૂ થયું ત્યારે તેણે ફ્રન્ટલાઈન સૈનિકોને ઓછો સપોર્ટ મળવાને કારણે લડવાનો ઇનકાર કર્યો હતો. તેને દસ સુધી ગણવા માટે કહેવામાં આવ્યું પરંતુ તેણે ફરીથી ના પાડી દીધી.
આ પછી, તેના માથા પર પિસ્તોલથી ઘણીવાર વાર કરવામાં આવ્યો. તેનો ચહેરો લોહીથી લથપથ થઈ ગયો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે રશિયા સતત તેના સૈનિકોને કોઈપણ સપોર્ટ સિસ્ટમ વિના આગળ વધવાનો આદેશ આપી રહ્યું છે. હથિયારોની કમી કે તેમને ચલાવવામાં સક્ષમ ન હોવા છતાં યુદ્ધ લડવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. મોરચા પર જવાનોને મોકલતા પહેલા પણ યુદ્ધ ક્ષેત્રની જરૂરી માહિતી આપવામાં આવી રહી નથી. આ કારણોસર ઘણા સૈનિકો યુદ્ધમાં જવાની ના પાડી રહ્યા છે.
મીડિયાકર્મીઓ સાથે વાત કરતા સૈનિકોએ કહ્યું કે તેમની સાથે ક્રૂર વર્તન કરવામાં આવી રહ્યું છે. એક સૈનિકે જણાવ્યું કે તેની સાથે ચાર અન્ય સૈનિકો એક બિલ્ડિંગના ભોંયરામાં બંધ હતા. તેમણે કહ્યું, અમારા પરિવારને એવું કહેવામાં આવ્યું કે બિલ્ડિંગ પર ગોળીબાર થયો, જે પછી અમે બધા લાપતા છીએ. આ દરમિયાન તેમની સાથે સતત મારપીટ કરવામાં આવી. આ અહેવાલ એવા સમયે સામે આવ્યો છે જ્યારે યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ ય્-૭ દેશોને દેશમાં શાંતિ પુન:સ્થાપિત કરવા માટે વિશેષ વૈશ્ર્વિક શાંતિ પરિષદનું આયોજન કરવા વિનંતી કરી હતી.
યૂક્રેનમાં યુદ્ધને કારણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ મહિને તેમની વાષક ન્યૂઝ કોન્ફરન્સ નહીં કરે. વાસ્તવમાં, નિરીક્ષકોએ યુદ્ધના મેદાનમાં મળી રહેલી અસફળતાઓ માટે ક્રેમલિનની અસ્વસ્થતાને જવાબદાર ઠેરવી છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવએ પુષ્ટિ કરી કે પુતિન ૧૦ વર્ષમાં પ્રથમ વખત વાષક ન્યૂઝ કોન્ફરન્સ નહીં યોજે. તેમણે આ પાછળ કોઈ કારણ આપ્યું ન હતું. નિરીક્ષકોએ રશિયન નેતાની અનિચ્છા પાછળનું કારણ અપ્રિય પ્રશ્ર્નોનો સામનો ન કરવાનું ગણાવ્યું છે.
ભારતમાં ફ્રેન્ચ દૂતાવાસે કહ્યું છે કે ફ્રાન્સ યૂક્રેનિયન નાગરિકો માટે આંતરરાષ્ટ્રીય સમર્થન એકત્ર કરવા અને તાત્કાલિક માનવતાવાદી જરૂરિયાતોને પહોંચી વળવાના હેતુથી એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરશે. આ કોન્ફરન્સનું આયોજન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની પહેલ પર કરવામાં આવ્યું છે. તે વર્ચ્યુઅલ રીતે યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી દ્વારા સંબોધવામાં આવશે. ફ્રેન્ચ દૂતાવાસે કહ્યું, અમારો ઉદ્દેશ્ય શિયાળાની શરૂઆતમાં વીજળી પુરવઠો, તબીબી સંભાળ અને માળખાકીય સુવિધાઓ સંબંધિત યૂક્રેનની જરૂરિયાતોને પૂર્ણ કરવાનો છે. આ કોન્ફરન્સમાં ૪૭ દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે.