રશિયા સ્કૂલોમાં બાળકોને યુદ્ધ માટે તૈયાર કરી રહ્યું છે: બોમ્બ ફેંકવાની અને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપી રહ્યું છે; સ્કૂલોમાં અભ્યાસક્રમમાં પણ ફેરફાર કર્યો

રશિયા બાળકોને યુદ્ધ માટે તૈયાર કરી રહ્યું છે. બ્લેક સીની આસપાસના વિસ્તારોમાં સ્કૂલોમાં બાળકોને બોમ્બ ફેંકવાનું અને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ ​​​​​​​આપવામાં આવી રહી છે. તેમને દેશની માટીની રક્ષા કરવાનું શીખવવામાં આવી રહ્યું છે.

આ માટે સ્કૂલોમાં અભ્યાસક્રમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ઓગસ્ટ 2023 માં, રશિયન સરકારે બાળકો માટે એક નવું ઇતિહાસ પુસ્તક બહાર પાડ્યું. આમાં યુક્રેન પર હુમલાને યોગ્ય ગણાવ્યો છે. રશિયા-યુક્રેન યુદ્ધ ફાટી નીકળ્યા પછી રશિયન જાહેર સ્કૂલોમાં લશ્કરીકરણ વધ્યું છે.

7-8 વર્ષના બાળકોને મૂળભૂત લશ્કરી તાલીમ આપવામાં આવી રહી છે. આમાં, તેમને ઓટોમેટિક ગન ચલાવવા, મશીનગન એસેમ્બલ કરવા અને કોઈપણ પ્રકારના અવરોધને પાર કરવાનું શીખવવામાં આવે છે. સ્કૂલોમાં દરરોજ મોક ડ્રીલ કરવામાં આવી રહી છે. ઘણી સ્કૂલોમાં આર્મી અને નેવી યુનિફોર્મમાં બાળકોની પરેડ કરવામાં આવી રહી છે.

યુદ્ધ શરૂ થયા બાદ એક માનવાધિકાર સંગઠને આરોપ લગાવ્યો હતો કે રશિયા 16 વર્ષના બાળકોને સેનામાં ભરતી કરી રહ્યું છે. એક અધિકારીએ કહ્યું હતું કે ક્રેમલિન પૂર્વી યુક્રેનમાં તેના સૈનિકોની સંખ્યા વધારવા માટે બાળકોની ભરતી કરવાનો આશરો લઈ રહ્યું છે.

રશિયન સૈનિકોએ 24 ફેબ્રુઆરી 2022 ના રોજ યુક્રેન પર હુમલો કર્યો. આની પાછળ વ્લાદિમીર પુતિનનો એક જ ઉદ્દેશ્ય હતો – યુક્રેનને કબજે કરવાનો. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ આને મંજૂરી આપી ન હતી, તેથી આજે 579 દિવસ પછી પણ આ યુદ્ધ ચાલુ છે.

રશિયાએ હંમેશા આ હુમલાને ‘સ્પેશિયલ મિલિટરી ઓપરેશન’ ગણાવ્યું છે. આ વાત બાળકોને ભણાવી રહ્યા છે. સરકાર બાળકોના મનમાં દેશભક્તિની ભાવના જગાડવા માંગે છે. આ માટે સરકારે ઓગસ્ટ 2023માં અભ્યાસક્રમમાં 5 મહિનામાં લખેલી ઈતિહાસની બુક સામેલ કરી હતી. તે પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે યુક્રેનમાં ડિમિલિટરાઇઝેશન અને ડિનાઝિફિકેશનની જરૂર હતી.

શિક્ષણ પ્રધાન સર્ગેઈ ક્રાસવતોવે કહ્યું હતું કે- પુસ્તકનો હેતુ સ્કૂલોના બાળકોને ડિમિલિટરાઇઝેશન અને ડિનાઝીકરણનો અર્થ સમજાવવાનો છે. જે વિસ્તારમાં સૈન્યની હાજરી નથી અથવા શાંતિને કારણે સૈન્યની જરૂર નથી તે વિસ્તારને ડિમિલિટરાઇઝ્ડ ઝોન અથવા વિસ્તાર કહેવામાં આવે છે.

તેમજ ડિનાઝિફિકેશનનો અર્થ છે ​​​​​​​ લોકોને દબાવવાની હિટલરની માનસિકતાથી વિપરીત લોકોને સ્વતંત્રતા આપવી, જેથી તેઓ પોતાને ખરેખર મુક્ત અનુભવી શકે. તેઓએ કોઈ પણ વસ્તુથી ડરવું જોઈએ નહીં. તેઓ તેમની વિચારધારા અનુસાર નિર્ણય લઈ શકે છે.

શિક્ષણ મંત્રી સર્ગેઈ ક્રાસવતોવે કહ્યું હતું કે નવા પુસ્તક દ્વારા 11મા ધોરણમાં ભણતા સ્કૂલના બાળકોને યુક્રેન પર રશિયાના સૈન્ય ઓપરેશનના હેતુ વિશે જણાવવામાં આવશે. તે કહે છે કે યુક્રેન પર તેની જીત બાદ તે પ્રકરણો પણ પુસ્તકમાં ઉમેરવામાં આવશે.

આ પુસ્તકમાં 2014માં ક્રિમીયા પર રશિયાના કબજાનો પણ ઉલ્લેખ છે. ક્રિમિયા પર રશિયાના કબજાને પ્રદેશમાં શાંતિ સ્થાપવા તરીકે વર્ણવવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે રશિયન સૈનિકોએ ક્રિમિયામાં શાંતિ સ્થાપી છે.

પુતિનના સહયોગી વ્લાદિમીર મેદિન્સકીએ પુસ્તક અને લેખકની પ્રશંસા કરી અને કહ્યું – આપણા દેશના ઈતિહાસમાં આટલી ઝડપથી કોઈ પુસ્તક લખાયું નથી. તેમણે કહ્યું- લેખકે આ પુસ્તક ખૂબ જ પ્રેક્ટિકલ રીતે લખ્યું છે. આમાં રશિયાનો પોઈન્ટ ઓફ વ્યુ સમજાવવામાં આવ્યો છે.