રશિયાની વ્યૂહાત્મક સિદ્ધિ : યૂક્રેનના અવદિવ્કા પર રશિયન સૈન્યનો કબજો

રશિયા, અવદિવ્કા યૂક્રેનનું મહત્વનું પૂવય શહેર છે. રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિને મહત્વની સિદ્ધિ હાંસલ કરવા બદલ પોતાના સૈન્યની પ્રશંસા કરી હતી અને આ જીતને ખૂબ જ મહત્વની ગણાવી હતી. રશિયાના સંરક્ષણપ્રધાન સર્ગેઇ સોઇગુએ આ સિદ્ધિ હાંસલ થઇ હોવાની પુતિનને જાણકારી આપી હતી. રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે અવદિવ્કા યૂક્રેની સેનાઓ માટે એક મજબૂત ડિફેન્સ હબ હતું અને હવે આ શહેર પર રશિયાના કબજાની સાથે યૂક્રેનની રશિયા પર હુમલો કરવાની ક્ષમતા ખરાબ રીતે પ્રભાવિત થઇ જશે. યૂક્રેની સેનાના વડાએ પણ શનિવારે એક નિવેદન બહાર પાડીને અવદિવ્કા પર રશિયન સેનાનો કબજો હોવાના સમાચારને પુષ્ટિ આપી હતી. યૂક્રેની સેનાના ચીફ એલેકઝાન્ડર સિરસ્કીએ જણાવ્યું હતું કે મેં મારા સૈનિકોની પીછેહઠનો નિર્ણય કર્યો છે કે જેથી વધુમાં વધુ લોકોનો જીવ બચાવી શકાય.

યૂક્રેનના પ્રેસિડેન્ટ વોલોદિમીર ઝેલેન્સ્કીએ પણ જણાવ્યું હતું કે સૈનિકોનો જીવ બચાવવા માટે પીછેહઠનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ઝેલેન્સ્કીએ આ પરાજય માટે હથિયારોની કમીને જવાબદાર ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે દુર્ભાગ્યવશ યૂક્રેન હથિયારોની કમીનો સામનો કરી રહ્યું છે. ખાસ કરીને લાંબા અંતરના હથિયારો અને મિસાઇલોની કમી છે. તેને પગલે રશિયાએ હુમલાઓને તેજ કરી દીધા હતાં.