મોસ્કો,યુક્રેનના બખમુતમાં યુદ્ધ લડી રહેલા રશિયાની પ્રાઈવેટ મિલિટરી વેગનરે દારૂગોળાની અછતની ફરિયાદ કરી છે. આ પ્રાઈવેટ મિલિટરીના માલિક અને પુતિનની નજીકના યેવગેની પ્રિગોઝિને કહ્યું છે કે તેમના લડવૈયાઓ પાસે શસ્ત્રો નથી. આ કારણે યુક્રેનનો આગામી હુમલો તેમના માટે ઘાતક સાબિત થઈ શકે છે. પ્રિગોઝિને આ વાત એક પત્રકારને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવી હતી.
વેગનર ચીફ પ્રિગોઝિને કહ્યું કે અમારી પાસે માત્ર ૧૦ થી ૧૫% જેટલે જ દારૂગોળો બચ્યો છે. જ્યારે યુક્રેન ૧૫ મે સુધીમાં અમારા પર મોટો હુમલો કરી શકે છે. પ્રિગોઝિને તેમની આ સ્થિતિ માટે રશિયન સેનાના નેતૃત્વને જવાબદાર ગણાવ્યું છે.
ઇન્ટરવ્યુ દરમિયાન, પ્રિગોઝિને કહ્યું કે અમને દરરોજ હજારો લડવૈયાઓના મૃતદેહ ઘરે મોકલવા મજબુર બન્યા છીએ. તેમણે રક્ષા મંત્રી સર્ગેઈ શોઇગુને પણ દારૂગોળાની અછત અંગે પત્ર લખ્યો છે.તેમણે કહ્યું કે એવી પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે કે અમે કાયર ઉંદરોની જેમ ભાગવા માંગતા નથી, આ સ્થિતિમાં અમારી પાસે મોતને ગળે લગાવ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.અમેરિકાની ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ સ્ટડી ઓફ વોર અનુસાર, પ્રિગોઝિને રશિયન સરકાર પાસેથી દરરોજ ૪૦૦૦ દારૂગોળાની માંગણી કરી હતી. જેમાંથી તેમને માત્ર ૮૦૦ જ મળી રહ્યા છે.
રશિયન સેના છેલ્લા ૧૦ મહિનાથી બખમુતને કબજે કરવા માટે લડી રહી છે. આ વિસ્તારમાં વધુ સૈનિકોના મૃત્યુને કારણે તેને ’મીટ ગ્રાઇન્ડર’ નામ આપવામાં આવ્યું છે. તે જ સમયે, યુક્રેનિયન સૈન્યને ડર છે કે જો રશિયા બખમુતને કબજે કરવામાં સફળ થાય છે, તો તેનો આગામી શિકાર યુક્રેનનું ચાસિવ યાર શહેર હશે.
આ જૂથ રશિયાની સત્તાવાર સેનાને પડકાર આપી રહ્યું છે. સન્ડે ગાડયન લાઈવના અહેવાલ મુજબ, યેવજેની પ્રિગોઝિને યુક્રેનની સરહદે આવેલા રશિયન પ્રદેશો બેલગોરોડ અને કુર્સ્કમાં સેનાની સમકક્ષ લશ્કરી માળખું ઊભું કર્યું છે. આ વેગનર આર્મીનું તાલીમ સુવિધા અને ભરતી કેન્દ્ર પણ છે. આ કારણે રશિયન સેનાના અધિકારીઓ અને વેગનરના સ્થાપક યેવજેની પ્રિગોઝિન વચ્ચે પણ તણાવ વધી ગયો છે.
વેગનર ગ્રૂપના સ્થાપક યેવગેની પ્રિગોઝિનને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના રસોઈયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ અગાઉ એક રેસ્ટોરન્ટ ચલાવતા હતા જ્યાં પુતિન ઘણીવાર જમવા જતા હતા. તે ધીરે ધીરે પુતિનના નજીકના સાથી બની ગયા. તેમને રશિયન સરકાર પાસેથી કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ મળવા લાગ્યા.તે યેવગેની છે જે વેગનર જૂથને ભંડોળ પૂરું પાડે છે. પહેલા તેઓ આ જૂથ સાથે પોતાના સંબંધોને નકારતા હતા પરંતુ ૨૦૨૨ માં તેમણે સ્વીકાર્યું હતું કે તેઓ તેની સાથે જોડાયેલા છે.