રશિયાના રાષ્ટ્રપતિ પુતિને મોદીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી, ’કહ્યું- ભારત-રશિયા સતત આગળ વધી રહ્યા..’

નવીદિલ્હી, ૨૦૨૩નો આજે છેલ્લો દિવસ એટલે કે ૩૧મી ડિસેમ્બર છે. આવતી કાલથી નવું વર્ષ ૨૦૨૪ શરુ થઈ જશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે. રશિયન રાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વૈશ્વિક સંજોગો વધુને વધુ પડકારરૂપ બની રહ્યા હોવા છતાં, રશિયા અને ભારત વચ્ચેના સંબંધો આગળ વધી રહ્યા છે.

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધતા તેમણે કહ્યું કે મુશ્કેલ વૈશ્વિક સંજોગો છતાં, રશિયા અને ભારત વચ્ચે ચાલી રહેલી ભાગીદારી ગતિશીલ રીતે આગળ વધી રહી છે. પુતિને નવી દિલ્હીમાં આયોજિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન અને G20માં ભારતના પગલાંની પ્રશંસા કરી હતી. તેમણે ભારતના નેતૃત્વની પણ પ્રશંસા કરી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે મોસ્કો અને નવી દિલ્હી વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો સતત આગળ વધશે.

ત્રણ દિવસ પહેલા પુતિને કહ્યું હતું કે પીએમ મોદી રશિયા-યુક્રેન વિવાદને શાંતિપૂર્ણ માધ્યમથી ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે મોદીના વલણને સમજીએ છીએ. અમે ઘણા પ્રસંગોએ આનો વારંવાર ઉલ્લેખ કર્યો છે. હું જાણું છું કે તે આ મુદ્દાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છે. અમે આ વિશે ઊંડાણમાં વાત કરીશું. તેમણે ભારત-રશિયા સંબંધો માટે આભાર વ્યક્ત કર્યો હતો.