રશિયાના રાજદૂતે ૨૪ કલાકમાં યુક્રેન રશિયા યુદ્ધને રોકવાના ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને ફગાવી દીધો

અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચાર દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે વારંવાર કહ્યું છે કે જો તેઓ રાષ્ટ્રપતિ બનશે તો ૨૪ કલાકની અંદર યુક્રેન-રશિયા યુદ્ધ ખતમ કરી દેશે. પરંતુ તેના દાવાને રશિયન અધિકારીએ ફગાવી દીધો છે. સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાના રાજદૂત વેસિલી નેબેન્ઝિયાનું કહેવું છે કે તેઓ આવું કરી શકે નહીં. નેબેન્ઝિયાનું નિવેદન રિપબ્લિકન ઉમેદવારને તેમના દાવા અંગે જવાબ આપવા માટે કહેવામાં આવ્યા બાદ આવ્યું છે. તેમણે મીડિયાકર્મીઓને કહ્યું કે યુક્રેન સંકટ એક દિવસમાં ઉકેલાશે નહીં.

ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પ્રચાર દરમિયાન ઘણી વખત કહી ચૂક્યા છે કે તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા બાદ ૨૪ કલાકની અંદર યુદ્ધને રોકી શકે છે. ટ્રમ્પે આ દાવાને ઘણી વખત દોહરાવી છે, ગયા અઠવાડિયે રાષ્ટ્રપતિ જો બિડેન સાથેની ચર્ચા દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે, જો અમારી પાસે વાસ્તવિક રાષ્ટ્રપતિ હોત તો પુતિન ક્યારેય યુક્રેન પર આક્રમણ ન કરી શક્યા હોત.

વેસિલી નેબેન્ઝિયાએ કહ્યું કે ઇસ્તંબુલમાં એપ્રિલ ૨૦૨૨માં યુદ્ધ સમાપ્ત થઈ શકે છે. તે સમયે રશિયા અને યુક્રેન સમજૂતીની ખૂબ નજીક આવી ગયા હતા. ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૨ ના રોજ, ઇસ્તંબુલ શાંતિ મંત્રણાના માત્ર બે મહિના પહેલા, રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો. જોકે, રશિયાનું કહેવું છે કે તેનું ’સ્પેશિયલ મિલિટરી ઓપરેશન’ ૨૦૧૪માં શરૂ થયું હતું.

૨૦૧૪ના યુદ્ધ બાદ રશિયાએ યુક્રેનના ક્રિમિયા પર કબજો કરી લીધો હતો. રશિયન રાજદૂતે પશ્ર્ચિમી દેશો પર એપ્રિલ ૨૦૨૨ના શાંતિ કરારને અવરોધવાનો અને કિવને રશિયા સામે લડવાનું ચાલુ રાખવાનો આરોપ લગાવ્યો છે.

નેબેન્ઝિયાએ ઝેલેન્સકી અને પશ્ર્ચિમી દેશોની તાજેતરની શાંતિ યોજનાને મજાક ગણાવી છે. ગયા મહિને આ પ્રસ્તાવને લઈને સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાયેલી બેઠકમાં લગભગ ૮૦ દેશોએ ભાગ લીધો હતો. પરંતુ રશિયા અને ઘણા મોટા દેશોએ તેમાં ભાગ લીધો ન હતો.

૨૦૨૨ માં રશિયન આક્રમણ પછી, યુક્રેનની સેનાએ બહાદુરીથી રશિયન સેનાનો સામનો કર્યો અને તેમને રાજધાની તરફ આગળ વધતા અટકાવ્યા. મોટાભાગની લડાઈ યુક્રેનના દક્ષિણ અને પૂર્વમાં કેન્દ્રિત છે, જ્યાં રશિયન દળોએ ચાર વિસ્તારો પર નિયંત્રણ મેળવ્યું છે. યુક્રેનની સેના નાટો અને અમેરિકાના હથિયારોની મદદથી રશિયન સેનાને પાછળ ધકેલવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ આમાં પણ તેને બહુ સફળતા મળી નથી.