મોસ્કો,\ રશિયાનાં મિશન મૂનને મોટો ફટકો પડયો હતો. ચંદ્રની સપાટી પર ઉતરીને સંશોધન કરવા માટે રશિયાએ મોકલેલું લેન્ડર લૂના -૨૫ પહેલા ટેક્નિકલ ખામીનો ભોગ બન્યું હતું. ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યાની થોડી મિનિટોમાં જ તે માર્ગ ભટકી ગયું હતું અને ચંદ્રની સપાટી પર ક્રેશ થઈ ગયું હતું.
આમ ભારત કરતા પહેલા ચંદ્ર પર ચઢાઈ કરવાનાં રશિયાનાં સપના પર પાણી ફરી વળ્યું હતું. લૂના -૨૫ અંતરિક્ષ યાન ચંદ્રની કક્ષામાં અનિયંત્રિત રીતે ફરવા લાગ્યું હતું. તેનાં પર અંકુશ મેળવવામાં રશિયાનાં વૈજ્ઞાનિકો નિષ્ફળ ગયા હતા. ૨૧ ઓગસ્ટને સોમવારે તે ચંદ્રની સપાટી પર ઉતરાણ કરે તે પહેલાં જ ચંદ્ર સાથે અથડાઈને ક્રેશ થઈ ગયું હતું. રશિયાએ ૪૭ વર્ષ પછી મિશન મૂન હાથ ધર્યું હતું પણ તેમાં સફળતા મળી ન હતી.
રશિયાનું માનવરહિત ચંદ્રયાન પણ દક્ષિણ ધ્રુવની સપાટી પર ઉતરાણ કરવાનું હતું. જો કે લેન્ડિંગ પહેલાં ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરતી વખતે તેમાં ટેક્નિકલ સમસ્યા સર્જાઈ હતી. જોકે તે સંપકક્ગુમાવી બેઠું હતું. લૂના -૨૫ ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કરીને ત્યાં જમા થયેલા પાણી અને કિંમતી ખનિજોનો અભ્યાસ કરવાનું હતું. રશિયાને મિશન નિષ્ળ જતા રૂ. ૧૬.૬ અબજનું નુક્સાન થયું હતું. જ્યારે ભારતનાં મિશન મૂનનો ખર્ચ ફક્ત રૂ. ૬૧૫ કરોડ જ હતો.
રશિયાની અંતરિક્ષ સંસ્થા રૉસકોસમોસનાં જણાવ્યા મુજબ લૂના -૨૫ને ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશતા પહેલા જ ટેક્નિકલ ખામીનો સામનો કરવો પડયો હતો. આને કારણે ઈમરજન્સીની સ્થિતિ સર્જાઈ હતી. રશિયાનાં વૈજ્ઞાનિકોની ટીમે જણાવ્યું હતું કે તેઓ સમસ્યાનો અભ્યાસ કરી રહી છે. જોકે રૉસકોસમોસ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરાયું નથી. પ્રાથમિક તબક્કામાં એવું જણાયું હતું કે ચંદ્રયાન માટે ઓટોમેટિક રસ્તો શોધતા એટલે કે ઓબટ સિલેક્ટ કરનાર ઓટોમેટિક ઓનબોર્ડ કોમ્પ્યૂટરમાં ખામી સર્જાઈ હતી.