રશિયામાં મોટી ભરતીની તૈયારી, યુવાનોને દેશ છોડવા પર પ્રતિબંધ

મોસ્કો,યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ બંને દેશોમાંથી લોકો મોટા પાયે સ્થળાંતર કરી રહ્યા છે. દરમિયાન રશિયાની સંસદના નીચલા ગૃહ સ્ટેટ ડ્યૂમાએ સેનામાં સેવા સાથે જોડાયેલા કાયદાને મંજૂરી આપી છે. આમાં જોગવાઇ કરાઇ છે કે સેનામાં બોલાવવામાં આવેલ કોઇ પણ વ્યક્તિને દેશની બહાર જવાની મંજૂરી અપાશે નહીં. આને રશિયન સેનામાં ફરજિયાત ભરતી યોજના તરીકે જોવામાં આવે છે. હકીક્તમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને સપ્ટેમ્બરમાં જાહેરાત કરી હતી કે સેનામાં આશરે ત્રણ લાખ વધુ જવાનોની ભરતી કરાશે.

ત્યારબાદ રશિયામાંથી લોકો અને ખાસ કરીને યુવાનો મોટા પાયે અન્ય દેશોમાં સ્થળાંતર કરવા લાગ્યા હતા.આ નવા કાયદાના કારણે રશિયનોની ચિંતા વધી ગઇ છે. રશિયનોને લાગે છે કે યુક્રેન યુદ્ધ માટે તેમને બળજબરીપૂર્વક સેનામાં ભરતી કરવામાં આવી શકે છે. અલબત્ત આ કાયદાને હજુ સુધી ઉપલા ગૃહની મંજૂરી મળી નથી.

નવા કાયદામાં ડિજિટલ સમન્સ ( ઇ-મેલ, ટેલિગ્રામ અથવા તો સોશિયલ મીડિયા એકાઉન્ટ) આપવાની જોગવાઇ કરાઇ છે. સમન્સ મોકલી દેવાયાના એક સપ્તાહમાં મેળવનાર માટે સ્વીકાર્ય ગણાશે. સમન્સ જારી થયાના ૨૦ દિવસમાં સંબંધિત નાગરિકને સેનાની સ્થાનિક ભરતી ઓફિસમાં હાજર થવું પડશે, જો તે હાજર થશે નહીં તો સજાની પણ જોગવાઇ કરાઇ છે. સજામાં ડ્રાઇવિંગ લાઈસન્સ રદ કરવા, સંપત્તિની નોંધણી પર પ્રતિબંધ અને બેન્ક લોન માટે અયોગ્ય જાહેર કરવાની જોગવાઇ છે. આ પહેલાં રશિયાએ અમીરોને દેશ છોડવાથી રોકવા માટે કેટલાંક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યાં હતાં.