મોસ્કો, યુદ્ધની વચ્ચે રશિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ત્રીજા દિવસે પણ મતદાન ચાલુ છે. તમને જણાવી દઈએ કે આજે રશિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાનનો ત્રીજો અને અંતિમ દિવસ સવારથી જ શરૂ થઈ ગયો છે. રશિયામાં વોટિંગ દરમિયાન ક્રેમલિનથી એનડીટીવીના રિપોર્ટર ઉમાશંકર સિંહના ગ્રાઉન્ડ રિપોર્ટ અનુસાર, યુદ્ધની વચ્ચે યોજાઈ રહેલી ચૂંટણીને કારણે અહીં આંતરિક સુરક્ષામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.
અગાઉ, પ્રવાસીઓ કોઈ અવરોધ વિના ક્રેમલિન વિસ્તારમાં આવી શક્તા હતા, પરંતુ મતદાનને ધ્યાનમાં રાખીને, સુરક્ષા એકમે તમામ પ્રવાસીઓને આ વિસ્તારમાંથી હટાવવાનું શરૂ કર્યું હતું. ક્રેમલિનના આ વિસ્તારમાં ચૂંટણી પરિણામો બાદ જીતની ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને તેના કારણે અહીં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી રહી છે.
ક્રેમલિનના આ વિસ્તારને હવે નો ગો એરિયા બનાવી દેવામાં આવ્યો છે. અને પરિણામો બાદ ઉજવણીનો માહોલ રહેશે ત્યારે સુરક્ષાને યાનમાં રાખીને લોકોને અહીં આવવા દેવામાં આવશે. જેના કારણે ક્રેમલિનમાં એકઠા થયેલા સેંકડો પ્રવાસીઓને બહાર મોકલી દેવામાં આવ્યા છે. અહીંનું યુનિટ રશિયન સુરક્ષાનો એક ભાગ છે અને તે સુરક્ષા વ્યવસ્થાનું યાન રાખે છે.
મળતી માહિતી મુજબ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સામે ત્રણ ઉમેદવારો મેદાનમાં છે. પુતિન સામે ઊભેલા ત્રણ ઉમેદવારોમાં લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના લિયોનીદ સ્લુત્સ્કી, ન્યૂ પીપલ્સ પાર્ટીના વ્લાદિસ્લાવ દાવાક્ધોવ અને કમ્યુનિસ્ટ પાર્ટીના નિકોલે ખારીતોનોવ છે. ત્રણેયને ક્રેમલિન સમર્થક માનવામાં આવે છે. સમાચાર અનુસાર, તેમાંથી કોઈ પણ યુક્રેન વિરુદ્ધ રશિયાની સૈન્ય કાર્યવાહીની વિરુદ્ધ નથી.
સીએનએનના અહેવાલ મુજબ, વિરોધ પક્ષના મોટાભાગના ઉમેદવારો કાં તો મૃત્યુ પામ્યા છે અથવા તો જેલમાં છે અથવા તો ચૂંટણી લડવા પર રોક લગાવવામાં આવી છે. આ જ કારણ છે કે પુતિનની જીત લગભગ નિશ્ર્ચિત માનવામાં આવી રહી છે. જો પુતિન ફરીથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય છે, તો તેમનો કાર્યકાળ ૨૦૩૦ સુધી લંબાશે.