રશિયાના મોસ્કોમાં ઇમ્લામિ કટ્ટરપંથી બંદૂકધારીઓનો હુમલો: ચાર હુમલોખોરોની ધરપકડ કરવામાં આવી

મોસ્કો, રશિયાના મોસ્કોમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોટું નિવેદન આપ્યું છે. તેણે દાવો કર્યો હતો કે ગયા અઠવાડિયે મોસ્કોમાં એક કોન્સર્ટ હોલમાં હુમલો કરનારા બંદૂકધારીઓ ’ઈસ્લામિક કટ્ટરપંથી’ હતા. આ હુમલામાં ૧૩૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. પુતિને સરકારી અધિકારીઓ સાથેની બેઠકમાં કહ્યું કે આ હત્યાઓ ઈસ્લામિક ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવી છે.

પુતિને ગયા અઠવાડિયે કહ્યું હતું કે યુક્રેનથી ભાગી જવાનો પ્રયાસ કરતી વખતે ચાર હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી હતી. રશિયાના રાષ્ટ્રપતિએ સોમવારે પોતાની ટિપ્પણીમાં ફરી એકવાર ઈસ્લામિક સ્ટેટનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું.

પુતિને કહ્યું કે ’આતંકવાદીઓએ પોતાનો ગુનો કર્યા પછી યુક્રેન ભાગી જવાની કોશિશ કેમ કરી અને ત્યાં કોણ તેમની રાહ જોઈ રહ્યું હતું તે શોધવું જરૂરી છે.’ તમને જણાવી દઈએ કે આઇએસ સહયોગીએ જવાબદારી લીધા બાદ અમેરિકાએ આતંકવાદીઓ પર પ્રતિબંધ લગાવ્યો હતો. સંસ્થાનો દાવો સાચો જાહેર કરાયો હતો. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને કહ્યું કે ફ્રાંસ પાસે ઉપલબ્ધ ગુપ્ત માહિતી અનુસાર મોસ્કો હુમલા પાછળ આતંકવાદીઓનું જૂથ એ જ સંગઠન છે જે આઇએસઆઇએસ છે.

અગાઉ સોમવારે, ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવએ કોઈને જવાબદાર ઠેરવવાનો ઇનકાર કર્યો હતો અને પત્રકારોને રશિયન એજન્સીઓ દ્વારા તપાસના પરિણામોની રાહ જોવા વિનંતી કરી હતી. તેમણે એવા અહેવાલો પર પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો કે યુએસએ મોસ્કોમાં સત્તાવાળાઓને ૭ માર્ચે સંભવિત આતંકવાદી હુમલા અંગે ચેતવણી આપી હતી. પેસ્કોવે કહ્યું કે આવી ગુપ્ત માહિતી ગોપનીય હોય છે. રશિયન કોન્સર્ટ હોલ પર હુમલાના સંબંધમાં ધરપકડ કરાયેલા ચાર લોકોને રવિવારે મોસ્કોની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને આતંકવાદનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન આરોપીઓએ કોર્ટને ઈજાના નિશાન પણ બતાવ્યા હતા. એક વ્યક્તિ માંડ ભાનમાં હતી.

રશિયાના વડા પ્રધાન મિખાઇલ મિશુસ્ટિને જણાવ્યું હતું કે તપાસ હજુ ચાલુ છે પરંતુ તેમણે વચન આપ્યું હતું કે ’ગુનેગારોને સજા કરવામાં આવશે, તેઓ દયાને પાત્ર નથી.’ હુમલામાં ૧૩૭ લોકો માર્યા ગયા હતા અને ૧૮૦ થી વધુ ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે ૯૭ લોકો હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. જેની સારવાર ચાલી રહી છે.