
મોરારીબાપુએ કેમ્બ્રિજ યુનિવર્સિટી માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી. જેમા મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો સામેલ થયા હતા. આ તકે મોરારીબાપુએ પીએમ મોદીની પ્રશંસા કરી. દિલ્હીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં શિક્ષકો, માછીમારો અને ખેડૂતોને આમંત્રિત કરવા બદલ પીએમ મોદીના નેતૃત્વની પ્રશંસા કરી.
ઈંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મોરારીબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેને માનસ વિશ્વવિદ્યાલય નામ આપવામાં આવ્યુ છે. સ્વતંત્રતા પર્વ નિમીત્તે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોરારીબાપુએ દિલ્હીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં શિક્ષકો માછીમારો અને ખેડૂતોને આમંત્રિત કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારની પ્રશંસા કરી હતી.
મોરારી બાપુ કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે રામકથા કરી રહ્યા છે. આ તેમની 921મી રામકથા છે. આપને જણાવી દઈએ કે મોરારીબાપુની જ્યાં પણ રામકથા ચાલતી હોય ત્યાં એક ખાસ બાબત જોવા મળે છે. જે એ છે કે હનુમાનજીની ધજાની સામે જ રાષ્ટ્રધ્વજ પણ રાખવામાં આવે છે. કથા શરૂ કરતા પહેલા મોરારીબાપુ એ રાષ્ટ્રધ્વજ લહેરાવે છે અને ત્યારબાદ કથાનો પ્રારંભ કરે છે. આજના દિવસે તેમણે સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરી.
આ કથા દરમિયાન આજે ઈંગલેન્ડમાં પીએમ ઋષિ સુનક પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઈંગલેન્ડના પીએમએ જણાવ્યુ હતુ કે હું પીએમ તરીકે કથામાં નથી આવ્યો પરંતુ હું હિંદુ છુ અને હિંદુ ધર્મમાં માનુ છુ. આથી હિંદુ તરીકે આ કથામાં હું આવ્યુ છુ. આટલુ સાંભળતા જ ત્યાં ઉપસ્થતિ સહુ કોઈએ તેમને તાલીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ લાલ કિલ્લાથી સમગ્ર દેશ 77માં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરી રહ્યો છે. ટોચના રાજકીય નેતાઓ, અધિકારીઓ, જજ અને બીજા મહાનુભાવો ઉપરાંત કેન્દ્ર સરકારે ઉજવણીના ભાગરૂપે વિવિધ તબક્કાના 1,800 લોકોને ઉજવણીમાં સામેલ થવા આમંત્રિત કર્યાં હતાં.
પૂજ્ય બાપુની રામકથા હાલ યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજની જિસસ કોલેજ ખાતે ચાલી રહી છે. આ કથા ભારત અને અંગ્રેજી સંસ્કૃતિ વચ્ચે લાંબાગાળાના સંબંધોની ઉજવણી છે. આ રામકથા 20 ઓગસ્ટે સમાપ્ત થશે.