લંડન,બ્રિટનમાં ભારતીય લોકોના વધતા જતા પ્રભુત્વના કારણે શ્ર્વેત જાતિવાદી અંગ્રેજ લોકો ભારે નારાજ છે. ભારતવંશી ૠષિ સુનક બ્રિટનના વડાપ્રધાન બન્યા બાદ જાતિવાદી સમર્થક અંગ્રેજ જૂથો માની રહ્યાં છે કે પહેલાથી જ મજબૂત સ્થિતિ ધરાવનાર ભારતીય સમુદાયની સ્થિતિ વધુ મજબૂત બની રહી છે. આના કારણે ભારતીયોની સામે હેટક્રાઇમમાં વધારો થઇ રહ્યો છે. બ્રિટિશ પોલીસ મુજબ ભારતીયોની સામે માર્ચ ૨૦૨૨થી લઇને માર્ચ ૨૦૨૩માં હેટક્રાઇમના ૫૮,૫૫૭ કેસ નોંધાયા છે. સુનકના વડાપ્રધાન બનતા પહેલાં એટલે કે માર્ચ ૨૦૨૨થી ઓક્ટોબર ૨૦૨૨ વચ્ચેના આઠ મહિનાના ગાળામાં હેટક્રાઇમનાંં ૩૨,૭૮૯ કેસ નોંધાયા હતા. એટલે કે દર મહિને આશરે ચાર હજાર કેસ નોંધાયા હતા. જ્યારે સુનક વડાપ્રધાન બન્યા બાદ ઓક્ટોબર ૨૦૨૨થી માર્ચ ૨૦૨૩ સુધી પાંચ મહિનામાં ૨૫૭૬૮ કેસ નોંધાયા છે. એટલે કે દર મહિને પાંચ હજાર કેસ નોંધાયા છે. સામાન્ય રીતે બ્રિટનમાં જાતીય સમુદાયની સામે હેટક્રાઇમના કુલ ૧,૦૮,૮૩૩ કેસ બહાર આવ્યા છે. જે ગયા વર્ષની સરખામણીમાં ૨૬ ટકા વધારે છે.
સુનક વડાપ્રધાન બન્યા બાદ સામાન્ય રીતે તો તમામ સમુદાયના લોકોએ તેનું સ્વાગત કર્યું છે, પરંતુ શ્ર્વેત કટ્ટરપંથી હજુ પણ સુનકના વડાપ્રધાન બનવાને લઇને નારાજ છે. પ્રતિષ્ઠિત બ્રિટિશ કંપની ઇપ્સોના એક સરવેમાં જાણવા મળ્યું છે કે આઠ ટકા શ્ર્વેત કટ્ટરપંથીઓ હજુ માને છે કે અસલી બ્રિટિશ થવા માટે શ્ર્વેત હોવું જરૂરી છે. નવ ટકાનું માનવું છે કે તેમને કોઇ ભારતીય બ્રિટિશ વડાપ્રધાન બને તે પસંદ નથી.
બ્રિટનનાં ગૃહમંત્રી ભારતીય મૂળનાં સુએલા બ્રેવરમેન છે છતાં ભારતીય લોકોની સામે હેટક્રાઇમના કેસોમાં અંકુશ મૂકવામાં સફળતા મળી રહી નથી. આનું મોટું કારણ કન્ઝરવેટિવ પાર્ટી તરફથી પ્રવાસીઓની સામે શરૂ કરવામાં આવેલી કઠોર નીતિઓ છે. બ્રેક્ઝિટનું સમર્થન કરવાના કારણે પ્રવાસી લોકોને અહીં વસવામાં મુશ્કેલી પડી રહી છે. શ્ર્વેત કટ્ટરપંથીઓ ભારતીય સહિત અન્ય એશિયન લોકોનો વિરોધ કરે છે.
વેલ્સ સરકારે હેટક્રાઇમને રોકવા માટે મોટી કવાયત હાથ ધરી છે. અહીં એન્ટિ હેટ ક્રાઇમ ટ્રેનિંગ માટે એક અલગ ફંડની રચના કરવામાં આવી છે. ફંડ મારફતે સરકાર મકાનમાલિકોને હેટક્રાઇમનો સામનો કરવા માટે તાલીમ આપશે. બ્રિટિશ સરકારે આવું કોઇ પગલું લીધું નથી.