મુંબઇ, ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત હાલમાં ક્રિકેટના મેદાનથી દૂર છે. ૠષભ પંત હજુ પણ ગયા વર્ષે ડિસેમ્બરમાં થયેલા કાર અકસ્માતમાંથી સાજો થઈ રહ્યો છે. બીસીસીઆઈએ હાલમાં જ તેની મેડિકલ ટીમ દ્વારા તેની ફિટનેસ અંગે અપડેટ આપી હતી. આ બધા વચ્ચે તેની વાપસી સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ૠષભ પંત આવતા વર્ષે રમાનારી મહત્વની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો ભાગ બની શકે છે.
રિષભ પંત આ દિવસોમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે. મેડિકલ અપડેટ મુજબ રિષભ પંત રિહેબિલિટેશનમાં ઝડપથી સ્વસ્થ થઈ ગયો છે. નેટ્સમાં બેટિંગની સાથે તેણે કીપિંગ પણ શરૂ કરી દીધું છે. હવે સમાચાર આવી રહ્યા છે કે ૠષભ પંત ૨૦૨૪માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ એક્શનમાં જોવા મળી શકે છે. ટીમ ઈન્ડિયાને આવતા વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડ સામે ૫ ટેસ્ટ રમવાની છે.
રિષભ પંતે તેની છેલ્લી મેચ ડિસેમ્બર ૨૦૨૨માં બાંગ્લાદેશ સામે રમી હતી. પંતની કાર ૩૦ ડિસેમ્બરે સવારે ૫.૩૦ વાગ્યે રૂરકીના નરસન બોર્ડર પર હમ્માદપુર ઝાલ પાસે રેલિંગ સાથે અથડાઈ હતી. આ અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી અને આ અકસ્માતમાં પંત ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના બાદ તેને દહેરાદૂનમાં દાખલ કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ તેને એરલિફ્ટ કરીને મુંબઈ લઈ જવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે પંતના ઘૂંટણ અને પગની ઘૂંટીના લિગામેન્ટ ટીયર સર્જરી કરવામાં આવી હતી.
ૠષભ પંતે વર્ષ ૨૦૨૨માં ટીમ ઈન્ડિયા માટે કુલ ૭ ટેસ્ટ મેચ રમી હતી. આ દરમિયાન તેણે ૬૧.૮૧ની એવરેજથી ૬૮૦ રન બનાવ્યા હતા. બીજી તરફ, પંતે ગયા વર્ષે ભારત માટે ૧૨ વનડેમાં ૩૭.૩૩ની એવરેજથી ૩૩૬ રન બનાવ્યા હતા. ટી૨૦ની વાત કરીએ તો આ ફોર્મેટમાં તેણે ગયા વર્ષે ૨૫ મેચ રમીને ૨૧.૪૧ની એવરેજથી માત્ર ૩૬૪ રન બનાવ્યા હતા. જ્યારે ડિસેમ્બર ૨૦૨૨માં ભારતે બાંગ્લાદેશ સામે ટેસ્ટ શ્રેણી ૨-૦થી જીતી હતી. ૨૫ ડિસેમ્બરના રોજ સમાપ્ત થયેલી બીજી ટેસ્ટમાં, તેણે શેર-એ-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારતની પ્રથમ ઇનિંગમાં મેચ-વિનિંગ ૯૩ રન બનાવ્યા હતા.