રુપાલા સામે ક્ષત્રિય સમાજે વિરોધ દર્શાવ્યો છે. ત્યારે રાજકોટમાં પરશોત્તમના સમર્થનમાં પોસ્ટર લાગ્યા

  • રૂપાલાને પાટીદાર સમાજનું સમર્થન મળ્યુ તો કોંગ્રેસના નેતાઓએ સમાજને વિવાદથી દૂર રહેવાની સલાહ આપી .

લોકસભાની ચૂંટણી પહેલા રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા વાંધાજનક ટિપ્પણીના પગલે છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં છે. પરશોત્તમ રુપાલા સામે ક્ષત્રિય સમાજે વિરોધ દર્શાવ્યો છે. ત્યારે રાજકોટમાં પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં પોસ્ટર લગાવામાં આવ્યા છે.

પાટીદાર વિસ્તારમાં આવેલી અંબિકા ટાઉનશીપમાં પરશોત્તમ રુપાલાના સમર્થનમાં પોસ્ટર લગાવ્યા છે. “હું પરશોત્તમ રૂપાલા સાથે છું” તેવા પોસ્ટરો લાગ્યા છે. ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પાટીદાર યુવકોએ પરશોત્તમ રુપાલાના સમર્થનમાં પોસ્ટર લગાવ્યા છે. અંબિકા ટાઉનશીપની સાથે બીજી અનેક સોસાયટીઓના રહીશો પણ રુપાલાના સમર્થનમાં જોડાયા છે. તો સ્થાનિકોએ જણાવ્યુ કે પરશોત્તમ રુપાલાની ટિકિટ રદ્દ ના થવી જોઈએ.

પરશોત્તમ રૂપાલાના એક નિવેદનનો વિવાદ હજુ શમ્યો નથી અને ક્ષત્રિય સમાજ આકરા પાણી છે. રૂપાલાએ અત્યાર સુધીમાં તેમના નિવેદન માટે બેવાર માફી માગી ચુક્યા છે. તદઉપરાંત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પણ ક્ષત્રિય સમાજને રૂપાલાને મોટુ મન રાખી માફ કરી દેવા અપીલ કરી છે. પરંતુ ક્ષત્રિયો ટસના મસ થવા તૈયાર નથી અને રાજકોટથી રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ પર અડગ છે. જો કે તમામ ઘટનાક્રમ વચ્ચે રૂપાલાના બચાવમાં હવે પાટીદાર સમાજ આવ્યો છે. સરદાર પટેલ ગૃપના અધ્યક્ષ કલ્પેશ રાંકે રૂપાલા નિવેદન આપ્યુ છે કે રૂપાલાએ બે વખતા માફી માગી છતા વિરોધ થઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજનો રોષ હવે રાજકીય રંગ લઈ રહ્યો હોવાનુ લાગે છે. વધુમાં તેમણે ઉમેર્યુ કે રૂપાલાને તમામ રીતે સહયોગ આપી મદદ કરીશુ. રૂપાલાની ટિકિટ રદ ન થાય તેવા પ્રયાસ કરાશે.

પાટીદારો રૂપાલાના બચાવમાં આગળ આવતા જ ગુજરાત કોંગ્રેસમા નેતાઓ પણ મેદાનમાં આવી ગયા છે. પોરબંદરથી લોક્સભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા છે. વસોયાએ આરોપ લગાવ્યો કે ભાજપ હવે પાટીદાર સમાજને હાથો બનાવી બે સમાજ વચ્ચે ભેદ ઉભો કરવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપના લોકો રાજકીય રોટલા શેકવા પાટીદાર સમાજને આગળ કરે છે. વસોયાએ પાટીદારોને પણ અપીલ કરી વ્યક્તિગત લડાઈથી દૂર રહો. તેમણે આરોપ લગાવ્યો કે રૂપાલાના વાણી-વિલાસથી ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે.

આ તરફ સાવરકુંડલાથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે ભાજપ પર આકરા પ્રહાર કર્યા અને ભાજપ સામે સમાજ સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ઉભો કરવાનો આરોપ લગાવ્યો. દૂધાતે જણાવ્યુ કે ભાજપના નેતાઓ સમાજના નામે પોસ્ટ મુકવાનું બંધ કરે. સમાજને અંદરોઅંદર લડાવવાનું કામ ભાજપના નેતાઓ ન કરે. તેમણે જણાવ્યુ કે આ ભાજપની વ્યક્તિગત લડાઈ છે, તેમા સમાજને વચ્ચે ન લાવે. બંને સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય તેની તકેદારી રાખો. રૂપાલા વિવાદ પર સમાજનો કોઈ વ્યક્તિ નિવેદનબાજી ન કરે તેવી પણ પ્રતાપ દુધાતે અપીલ કરી છે.