
રાજકોટ,ગુજરાતની ૨૬ લોક્સભા બેઠકમાંથી હાલ સૌથી કોઈ વધુ ચર્ચામાં હોય તો એ રાજકોટ લોક્સભા બેઠક છે.. રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના એક નિવેદન બાદ ક્ષત્રિય સમાજનો આક્રોશ હજુ પણ યથાવત્ છે.. એક તરફ ક્ષત્રિય સમાજ ભાજપના વિરોધ માટે કાર્યક્રમોની રૂપરેખા ઘડી રહ્યા છે તો બીજી તરફ ભાજપ પણ પોતાના ક્ષત્રિય નેતાઓ સાથે બંધ બારણે બેઠકો કરીને આ વિવાદને ટાઢો પાડવાના પ્રયાસ કરી રહ્યા છે.
ક્ષત્રિયોના વિરોધને શાંત કરવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના સંગઠન મંત્રી રત્નાકર સૌરાષ્ટ્રમાં ધામા નાખીને બેઠા છે.. રવિવારે મોડી સાંજે બંને નેતાઓએ રાજકોટની ખાનગી હોટલમાં ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી હતી જ્યારે સોમવારે ભાવનગરમાં ખાનગી હોટલમાં બેઠક કરી.. આ બેઠકમાં જેમાં તેઓએ ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનોને સમાજ વચ્ચે જઇ લોક્સભા ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન કરવાનુ સૂચન કરવા અપીલ કરી હતી..
એક તરફ ભાજપ પરશોત્તમ રૂપાલાને ચૂંટણી લડાવવા માટે મક્કમ છે તો બીજી તરફ ક્ષત્રિય આગેવાનો આંદોલનથી રૂપાલાને હરાવવા માટે મક્કમ છે.. આ બધા વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર રાજકોટમાં ફૂલ ફોર્મમાં પ્રચાર કરી રહ્યા છે.. રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પરેશ ધાનાણીએ પદયાત્રા કરીને પોતાના માટે મત માગ્યા..
રાજકોટ લોક્સભા બેઠક પર રાજકીય માહોલ ગરમ છે.. એવામાં જોવું એ રહ્યું કે, ક્ષત્રિયોના આંદોલનની અસર પરશોત્તમ રૂપાલાને કેટલી નડશે..