રૂપાલા-માંડવીયાના રાજકીય ભવિષ્ય અંગે અટકળોનો દૌર:રૂપાલા માટે પોલીટીકલ જર્નીનો અંત હોય તેવુ મનાય છે અને માંડવીયા માટે હજુ લાંબી પોલીટીકલ ઈનિંગ્ઝ બાકી હોવાનું મનાય છે

ગુજરાતમાં રાજયસભા માટે ભારતીય જનતા પક્ષે હેવીવેઈટ રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા સહિતના ચાર ઉમેદવારો નિશ્ર્ચિત કરીને એક તરફ બે કેન્દ્રીય મંત્રીઓને આંચકો આપ્યો છે તો બીજી તરફ તેમના રાજકીય ભવિષ્ય અંગે પણ પ્રશ્ર્ન પૂછાવા લાગ્યો છે. ખાસ કરીને આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા માટે હજુ લાંબી પોલીટીકલ ઈનિંગ્ઝ બાકી હોવાનું મનાય છે અને તેથી તેમને લોકસભાની ચૂંટણી લડવા જણાવાશે કે પછી સંગઠનના ક્ષેત્રે કોઈ કામગીરી સોંપાશે તેના પર અટકળો છે

જયારે પુરુષોતમ રૂપાલા માટે હવે પોલીટીકલ જર્નીનો અંત આવી ગયો હોય તેવુ મનાય છે. ત્રણ વખત ધારાસભ્ય તરીકે અને રાજયના મંત્રી ઉપરાંત પ્રદેશ ભાજપ પ્રમુખ સહિતના પદો પર રહી ચૂકેલા પુરુષોતમ રૂપાલાએ રાજયસભામાં પણ સૌથી લાબી ઈનિંગ્ઝ રમી છે તેઓ 2008થી2014 અને બાદમાં 2016થી2018 અને હવે 2024 સુધી રાજયસભાના સભ્ય રહી ચૂકયા છે અને આથી ભાજપમાં જે રીતે રાજયસભામાં જો રીપીટ થિયરી છે તે તેમને લાગુ થઈ છે. તેઓને અમરેલી લોકસભા બેઠક લડાવાય તેવી શકયતા નહીવત છે.

2017ની ચુંટણીમાં અમરેલી જીલ્લાએ કોંગ્રેસને ભરપુર મત આપ્યા હતા અને દિલીપ સંઘાણી જેવા નેતા પણ પરાજીત થયા હતા પણ 2022માં ભાજપે આ જીલ્લામાં પોતાનો વાવટો ફરકાવી દીધો હતો પરંતુ હવે જુના જોગી રૂપાલાને ફરી સંસદમાં જવા તક મળે તેવી શકયતા નહીવત છે જયારે માંડવીયાને ભાવનગર બેઠક પર ચુંટણી લડવા જણાવાય કે પછી સૌરાષ્ટ્રની કોઈ અન્ય બેઠક અથવા તો છેક સુરત સુધી તેમનું કનેકશન નીકળે તેવી ચર્ચા છે. ભાવનગર લોકસભા બેઠકમાં કદી પાટીદાર ઉમેદવાર જીત્યા નથી

ભાજપે અગાઉ ગીગાભાઈ ગોહિલ અને રાજેન્દ્રસિંહ રાણાને તક આપ્યા બાદ ભારતીબેન શિયાળને બે ટર્મ સુધી સાંસદ બનાવ્યા પણ પાલીતાણાના ધારાસભ્ય રહી ચૂકેલા માંડવીયા માટે આ બેઠક જીતવી એ કમળના કારણે અઘરી ન હોય તો પણ પક્ષ ઓબીસી કે કોળી કે ક્ષત્રિય સમાજ માટે મહત્વની ગણાતી આ બેઠક પાટીદારને લડવા જણાવે તેવી શકયતા નહીવત છે.

અહી આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ ઉમેદવારીની જાહેરાત કરી છે જે કોળી સમાજના છે અને તેથી જીલ્લાની સાત માંથી છ ધારાસભા બેઠકો ભાજપ પાસે હોવા છતાં માંડવીયાને નવા મતક્ષેત્રમાં જવુ પડે તો આશ્ર્ચર્ય થશે નહી. તેઓની રાજયસભાની એક ટર્મ પુરી થઈ છે અને રીપીટ ન થયા તે સૂચક છે.

રાજયસભા માટે ભાજપે રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાને ગુજરાતમાંથી બેઠક ફાળવતા હવે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત ભાજપનું વજન વધ્યુ છે. અગાઉ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ બંને ગુજરાતી છે તો કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકર પણ ગુજરાતમાંથી ચુંટાયા છે અને હવે જે.પી.નડ્ડા કે જેઓ મૂળ હિમાચલના છે. તેઓને રાજયસભામાં રીપીટ કરીને ગુજરાતમાંથી મોકલાઈ રહ્યા છે.

જયારે ચર્ચા એ પણ છે કે વર્તમાન પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને પણ આગામી ચુંટણી બાદ કેન્દ્રીય કેબીનેટમાં સમાવાશે અને જે.પી.નડ્ડાની ટર્મ પણ આ વર્ષે જૂન સુધી લંબાવાઈ છે તે પુરી થશે અને તેઓ પણ કેન્દ્રીય મંત્રી બને તે ગુજરાતમાંથી જુનીયર નેતાઓને ચાન્સ ઓછા રહે તેવી શકયતા છે.

ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રી તરીકેનો દબદબો ભોગવીને લગભગ રાજકીય નિવૃતિ જેવી સ્થિતિમાં મોકલાયેલા નીતીન પટેલને મહેસાણાની લોકસભા બેઠક ફાળવાઈ તે માટેના તેમના નજીકના ટેકેદારોએ પ્રયત્ન શરુ કર્યા છે. નિતીન પટેલ અગાઉ ખુદ પોતે ચુંટણી લડવાની ઈચ્છા જાહેર કરી ચૂકયા છે તો બીજી તરફ ચુંટણી પછી પાટીલના સ્થાને કોણ તે પણ ચર્ચા છે.

પાટીલ જો લોકસભા લડે તો કેન્દ્રીય મંત્રી બને તો તેના સ્થાને ઓબીસી કે એસટી અથવા એસસી ચહેરાને પ્રદેશ પ્રમુખ બનાવી શકાય છે. ભુપેન્દ્ર પટેલ તો 2027 સુધીની ઈનિંગ ખેલી જ લેશે તે નિશ્ર્ચિત ગણાય છે.