સુરત, તમિલનાડુના મુખ્યપ્રધાનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિન દ્વારા આપવામાં આવેલા સનાતન ધર્મના નિવેદનની સમગ્ર દેશમાં નિંદા થઈ રહી છે, આવી સ્થિતિમાં કેન્દ્રીય કૃષિ અને પશુપાલન પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ પણ સુરતમાં સનાતન ધર્મ પર પ્રહાર કરનારા લોકો સામે પ્રતિક્રિયા આપી છે. પુરૂષોત્તમ રૂપાલાએ સનાતન ધર્મ વિરુદ્ધ બોલનારાઓની સરખામણી રાવણના વંશજો સાથે કરી છે. તેમણે કહ્યું કે સનાતન વિરુદ્ધ નિવેદન આપનાર વ્યક્તિ હતાશા અને નિરાશામાં છે. દેશવાસીઓએ આવા લોકોથી દૂર રહેવું જોઈએ…
તમિલનાડુના મુખ્યપ્રધાનના પુત્રએ સનાતન ધર્મને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે, જેના પછી રાજકીય પ્રતિક્રિયા આવી રહી છે. આવી સ્થિતિમાં સુરતમાં એક કાર્યક્રમમાં આવેલા કેન્દ્રીય કૃષિ અને પશુપાલન પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ સનાતન ધર્મ પર નિશાન સાધનારાઓ પર નિવેદન આપ્યું છે. તેમણે સનાતન ધર્મ પર પ્રહાર કરનારા લોકોની સરખામણી રાવણના વંશજો સાથે કરી છે.તેમણે કહ્યું કે સનાતન સંસ્કૃતિ પર આ હુમલો રાવણના સમયથી થઈ રહ્યો છે અને અત્યારે પણ થઈ રહ્યો છે. જે રીતે રામનું વંશ આ જ સુધી છે તેમ રાવણનું વંશ ચાલુ રહેશે.
તેમણે એમ પણ કહ્યું કે સનાતન શબ્દનો અર્થ એ છે કે જે હંમેશા રહે છે, જેનો ન તો અંત છે કે ન તો શરૂઆત. તેને જ સનાતન કહેવામાં આવે છે. સનાતન ધર્મ વિશે કોઈ પણ પ્રકારની વાતો કરીને તેને નષ્ટ કરવાનો કોઈએ વિચાર ન કરવો જોઈએ, આવા લોકો ફક્ત પોતાને જ નુક્સાન પહોંચાડે છે. આ રાષ્ટ્રનું ગૌરવ છે, વિશ્ર્વ કલ્યાણનો કોઈ માર્ગ હોય તો તે સનાતન ધર્મ દ્વારા જ છે. વિશ્ર્વ કલ્યાણનો કોઈ માર્ગ હોય તો તે સનાતન ધર્મનો જ છે. સમગ્ર વિશ્ર્વમાં લોકો સનાતનને સ્વીકારી રહ્યા છે. આજે વિશ્ર્વ યોગને સ્વીકારી રહ્યું છે અને આયુર્વેદ અપનાવી રહ્યું છે. હતાશા અને નિરાશાના કારણે લોકો આવા નિવેદનો આપી રહ્યા છે. દેશે આવા લોકોથી બચવું જોઈએ અને આ લોકોએ આવી હરક્તોથી દૂર રહેવું જોઈએ.
તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિનના સનાતન ધર્મ પરના નિવેદન બાદ રાજકીય જંગ છેડાઈ ગયો છે. ભાજપના અનેક નેતાઓએ ઉદયનિધિના નિવેદનને લઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિને પોતાના એક નિવેદનમાં સનાતન ધર્મની તુલના ડેન્ગ્યૂ અને મેલેરિયા સાથે કરી છે. સ્ટાલિને કહ્યુ કે સનાતનનો માત્ર વિરોધ કરવાની જરૂર નથી. પરંતુ તેને સમાપ્ત કરી દેવો જોઈએ. સનાતન ધર્મ સામાજિક ન્યાય અને સમાનતાના વિરૂદ્ધ છે. જે રીતે આપણે ડેન્ગ્યૂ, મેલેરિયા અને કોનોનાનો વિરોધ ન કરી શકીએ, તેને ખતમ જ કરવો જોઈએ, બસ એવી જ રીતે સનાતન ધર્મને પણ ખતમ કરવો પડશે. ઉદયનિધિ સ્ટાલિનના આ નિવેદન બાદ રાજકીય જંગ છેડાઈ ગયો છે. ભાજપના નેતાઓ દ્વારા આ નિવેદનને સનાતન ધર્મ પર ખતરો સમાન ગણાવ્યુ છે અને તેનો ભારે વિરોધ કરી રહ્યા છે. તો બીજી તરફ પી. ચિદંબરમનો પુત્ર અને કોંગ્રેસ સાંસદ કાત ચિદંબરમે પણ બળતાંમાં ઘી હોમીને ઉદયનિધિ સ્ટાલિનના નિવેદનને યોગ્ય ગણાવ્યુ છે.