આરટીઓ માં ફરી સારથિ સર્વરના ધાંધિયા, બે દિવસની લાઇસન્સની કામગીરી બંધ

અમદાવાદ, અમદાવાદ સહિત રાજ્યભરનાં આરટીઓ ના સર્વરમાં ધાંધિયા જોવા મળી રહ્યા છે. રાજ્યભરની આરટીઓ માં ફરીથી સર્વર ખોટવાયું છે. તેના લીધે આરટીઓમાં અરજદારોને ધરમધક્કો થયો હતો. ગુરુવારે સવારથી જ સારથિ સર્વર બંધ રહેતાં ૩૮ આરટીઓમાં કાચાપાકા લાઇસન્સની કામગીરી બંધ થઈ ગઈ હતી.

સવારે ડ્રાઇવિંગ ટેસ્ટ અને લાઇસન્સના કામ માટે આવેલા લોકોને પહેલાં તો બે-બે કલાક સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા. તેના લીધે લોકો ખૂબ જ હેરાન થયા હતા અને ભારે નારાજગી સાથે પરત ગયા હતા. તેમા પણ બે દિવસ કામગીરી બંધ રહેતા ૪૦ હજારથી વધુ લોકોને અસર થઈ હતી. અમદાવાદની ત્રણેય આરટીઓ કચેરીમાં અંદાજે પાંચ હજાર લોકોનો સમાવેશ થાય છે. વાહનના કાચા અને પાકા લાઇસન્સની તમામ એપોઇન્ટમેન્ટ રિશેડ્યુલ કરવામાં આવી હતી.

ગુરુવારે સવારે લોકો રાબેતા મુજબ ૩૮ આરટીઓ કચેરીમાં વાહનોના ડ્રાઇવિંગ ટેસ્ટ અને પાકા લાઇસન્સના રીન્યુ, ડુપ્લિકેટ, નામ-સરનામુ બદલવા તથા કાચુ રીન્યુ કરાવવા સહિતના કામ માટે અરજદારો રાબેતા મુજબના સમયે આવ્યા હતા. તે સમયે સર્વર બંધનો પહેલો મેસેજ સાડા અગિયાર વાગે આવ્યો હતો.

નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર તરફતી મેસેજ કરાયો હતો. આથી બધાને રવાના કરી દેવાયા હતા. ફક્ત આરટીઓ જ નહીં રાજ્યની ૨૨૫ આઇટીઆઈ સંસ્થાઓમાં પણ કાચા લાઇસન્સની કામગીરી રદ થઈ ગઈ હતી. તેના લીધે દસ હજારથી પણ વધારે એપોઇન્ટમેન્ટ બંધ થઈ ગઈ હતી. તેમા અમદાવાદની એક હજાર એપોઇન્ટમેન્ટનો સમાવેશ થાય છે. હવે નવેસરથી લાઇસન્સ કઢાવવાનો ખર્ચ અરજદારોને ભોગવવો પડશે.

આરટીઓ અને આઇટીઆઈ સંસ્થામાં કાચા-પાકા લાઇસન્સના કામ માટે નોકરિયાત કે વેપારી વર્ગ કામધંધો છોડીને આવે છે. હવે તે સમયે તેને ખબર પડે કે આરટીઓ સર્વર બંધ છે તેના લીધે નોકરિયાત વર્ગની રજા અને વેપારીઓનો સમય બગડે છે. ગુરુવારે પણ આ જ વાતનું પુનરાવર્તન થયું હતું. આ અંગે આરટીઓએ તેનો બચાવ કરતાં જણાવ્યું હતું કે દિલ્હીમાં એનઆઇસી દ્વારા મેઇન્ટેનન્સના લીધે બે દિવસ સર્વર બંધ રહેવાનું છે. તેના લીધે લાઇસન્સની તમામ કામગીરી થઈ શકશે નહીં એમ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું.