અમદાવાદ,આરટીઓની જેમ હવે અમદાવાદ એરપોર્ટ પર પણ સર્વરમાં ખામી સામે આવી હતી. સર્વરમાં ખામી સર્જાતા એક કલાક મુસાફરો અટવાયા હતા. એરપોર્ટ પર સર્વરમાં ખામી સર્જાવાની ભાગ્યે જ ઘટના જોવા મળતી હોય છે ત્યારે સર્વરમાં ખામી સર્જાતા ઇમિગ્રેશન કાઉન્ટર પર મુસાફરોની લાઈનો લાગી હતી. જે સમયે મુસાફરોએ ટ્વીટ કરી ધ્યાન દોરતા તંત્ર કામે લાગ્યું હતું. આ સમસ્યાને કારણે ફ્લાઈટના ટેકઓફમાં પણ મોડુ થતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ગુજરાતનાં સૌથી વ્યસ્ત રહેતા એરપોર્ટ એવા અમદાવાદનાં સરદાર પટેલ વલ્લભભાઈ પટેલ એરપોર્ટને વધુને વધુ આધુનિક બનાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમજ મુસાફરોનો તકલીફ ન પડે તે માટે અમદાવાદ એરપોર્ટ ખાતે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ટર્મિનલ પર ઈમિગ્રેશન કાઉન્ટરમાં વધારો કરવામાં આવ્યો છે. પરંતું તા. ૮ અને ૯ ફેબ્રુઆરીનાં રોજ રાત્રિ દરમ્યાન ઈમિગ્રેશન કાઉન્ટર પરના સર્વરમાં ખામી સર્જાતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
એરપોર્ટ પર ઈમિગ્રેશન કાઉન્ટર પર સર્વરમાં ખામી સર્જાતા મુસાફરોએ એક કલાકથી વધુ સમય રાહ જોવી પડી હતી. ઈમિગ્રેશન કાઉન્ટરનું સર્વર ઠપ્પ થતા મુસાફરોનું ઈમિગ્રેશન મોડું થયું હતું. ઈમિગ્રેશન મોડું થતા ફ્લાઈટ પણ મોડી ટેકઓફ થવાથી મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો.