આરટીઇ હેઠળ ૪૦૦થી વધુ એડમિશન રદ કરાયા, વાલીઓએ ઓનલાઈન ફોર્મ ભરવા ગેરરીતિ આચર્યાનું સામે આવ્યું

રાજકોટ, રાજકોટ શહેર અને જિલ્લામાં ગેરરીતિ કરીને વાલીઓએ આરટીઇ હેઠળ તેમના બાળકોના એડમીશન લેવાનો પ્રયાસ કર્યો છે. મીડિયામાં અહેવાલ આવ્યા બાદ રાજ્યસરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યભરમાં આરટીઇ હેઠળના એડમિશન રી ચેક કરવાનાં આદેશ આપવામાં આવ્યા છે. જેમાં મોટી સંખ્યામાં વાલીઓએ પોતાના બાળકોના આરટીઇ હેઠળ એડમીશન લઈ લીધા હોવાનું સામે આવ્યું છે અને આ વિદ્યાર્થીઓમાં એડમિશન રદ કરવાની કાર્યવાહી શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે.

રાજકોટમાં ૬ હજાર જેટલા આરટીઇ અંતર્ગત બાળકોને પ્રવેશ આપવામાં આવ્યા છે.જેમાંથી ૪૦૦ જેટલા બાળકોના વાલીઓએ ખોટી રીતે એડમિશન લઈ લીધા હોવાનું સામે આવ્યું છે.જેમાં કેટલાક બાળકોએ તો ગતવર્ષે ફી ભરીને પહેલું ધોરણ ભણી લીધા બાદ ફરીથી આ વર્ષે પહેલા ધોરણમાં RTE અંતર્ગત પ્રવેશ મેળવી લીધો હતો.જેમાં નામ સાથે ક્યાંકને ક્યાંક ચેડાં કરીને ઓનલાઇન સિસ્ટમને છેતરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જિલ્લા શિક્ષણ અધિકારી બી એસ કૈલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ પ્રકારના વિદ્યાર્થીઓને ટ્રેકિંગ સિસ્ટમથી શોધીને શાળાઓને પ્રવેશ રદ કરવા આદેશ પણ આપવામાં આવ્યા છે અને એડમિશન રદ કર્યા બાદ જે જગ્યાઓ ખાલી થશે, તેમાં જરૂરિયાત વાળા અન્ય વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે.

બીજી તરફ રાજકોટ ખાનગી શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી મહેતાએ ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, વાલીઓ ઓનલાઇન પ્રક્રિયામાં બાળકના નામ સાથે કોઈને કોઈ રીતે નાનામોટા ફેરફાર કરી નાખે છે. જેથી ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં તે સામે ન આવે. શિક્ષણ વિભાગે આધારકાર્ડ સાથે કનેક્ટ સિસ્ટમ બનાવવી જોઈએ. જેથી તેના નંબર પરથી જો કોઈ વાલી નામ સાથે ચેડાં કરીને પણ એડમિશન લેવાનો પ્રયાસ કરે તો પણ તે સિસ્ટમમાં પકડાઈ જાય અને ગેરરીતિ ન આચરી શકે.

આરટીઇ અંતર્ગત ભણતર ગરીબ પરિવારના બાળકો સારી ખાનગી શાળાઓમાં ભણતર મેળવી શકે તે માટે રાજ્યસરકાર દ્વારા કરવામાં આવી છે. પરંતું આ પ્રકારે જેમને જરૂરિયાત નથી તેવા વાલીઓ પણ ગેરરીતિ આચરીને પોતાના બાળકોને પ્રવેશ લેવડાવી લેતા ખરેખર જેમને જરૂરિયાત છે તેવા બાળકો અને વાલીઓ આ લાભથી વંચિત રહી જાય છે.જેથી શિક્ષણ વિભાગ દ્વારા ટ્રેકિંગ સિસ્ટમમાં ફેરફાર કરવું જરૂરી બન્યું છે.