
નવીદિલ્હી,
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના નેતા દત્તાત્રેય હોસાબલેએ કહ્યું છે કે અમારું સંગઠન કોઈપણ રાજકીય વલણ વિના રાષ્ટ્રીય હિતમાં કામ કરે છે. તેમણે કહ્યું કે અમે ન તો લેફ્ટ વિંગ છીએ કે ન તો રાઈટ વિંગ, અમે રાષ્ટ્રવાદી છીએ. સંઘ રાષ્ટ્રના હિતમાં જ કામ કરે છે. તેઓ જયપુરના બિરલા ઓડિટોરિયમ ખાતે એકાત્મ માનવદર્શન અનુસંધાન ઈવમ વિકાસ પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગઈકાલે, આજે અને આવતીકાલ વિષય પર બોલી રહ્યા હતા.
તેમણે કહ્યું કે, ભારતમાં રહેતા તમામ લોકો હિંદુ છે, કારણ કે તેમના પૂર્વજો હિંદુ હતા. તેમની પૂજા કરવાની રીતો અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ તેમનો બધાનો ડીએનએ એક જ છે. સૌના સામૂહિક પ્રયાસોથી જ ભારત ‘વિશ્ર્વ ગુરુ’ બનીને વિશ્ર્વનું નેતૃત્વ કરી શકે છે.
હોસાબલેએ કહ્યું કે આરએસએસ ભારતના તમામ ધર્મો અને સંપ્રદાયોને એક માને છે. લોકો પોતાના સમુદાયમાં રહીને સંસ્થાનું કામ કરી શકે છે. સંઘ કઠોર નથી. તેમણે બંધારણ વિશે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે જો તેના અમલર્ક્તાઓ ખરાબ હોય તો સારું બંધારણ પણ કંઈ કરી શક્તું નથી.
તેમણે કહ્યું કે દેશમાં લોકશાહીની સ્થાપનામાં આરએસએસની ભૂમિકા હતી, જેનો ઉલ્લેખ વિદેશી પત્રકારોના લેખોમાં પણ જોવા મળે છે. સંઘને સમજવા માટે મનની નહીં પણ હૃદયની જરૂર છે. તેમણે આવનારી પેઢીના કલ્યાણ માટે પર્યાવરણની જાળવણી પર ભાર મૂક્યો હતો.
ગત મહિને સંઘના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે, ભારતને ભારત જ રહે એ સીધી વાત છે. આજે ભારતમાં રહેતા મુસ્લિમોને કોઈ નુક્સાન નથી. ઈસ્લામને કોઈ ખતરો નથી, પરંતુ મુસ્લિમોએ સર્વોચ્ચ હોવાની ખોટી માન્યતા છોડી દેવી જોઈએ. અમે એક સમયે રાજા હતા, અમે ફરીથી રાજાઓ બનીએ, આ છોડવું પડશે અને કોઈને પણ છોડવું પડશે.આવું વિચારવા વાળો કોઈ હિન્દુ છે, તો તેણે પણ આ વલણ છોડવું પડશે. કમ્યુનિસ્ટ છે તો તેમને પણ છોડવું પડશે. હિંદુ એ આપણી ઓળખ છે, રાષ્ટ્રીયતા અને દરેકને પોતાના ગણીને સાથે લઈ ચાલવાની પ્રવૃત્તિ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સંઘ પર વાર કરવાની કોઈ તક છોડતા નથી. તે સતત કહે છે કે આરએસએસએ દેશમાં નફરત, હિંસા અને ભયનું વાતાવરણ ઊભું કર્યું છે.