રૂપિયા ૨૦૦૦ની નોટ બદલવાના નિર્ણયને લઈને ભાજપ નેતા હાઈકોર્ટમાં પહોંચ્યા

  • રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ, ગત શુક્રવારે ભારતીય ચલણમાંથી ૨૦૦૦ રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.

નવીદિલ્હી, ૨૦૦૦ રૂપિયાની ચલણી નોટો ધીમે ધીમે પાછી ખેંચી લેવાનો મામલો હવે દિલ્લી હાઈકોર્ટમાં પહોંચ્યો છે. આ અંગે ભાજપના નેતા અને વકીલ અશ્ર્વિની ઉપાધ્યાય દ્વારા દિલ્લી હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ પીઆઈએલમાં કહેવામાં આવ્યું છે કે, કોઈપણ ડિમાન્ડ સ્લિપ અને ઓળખના પુરાવા વિના રૂ. ૨૦૦૦ની નોટ જમા કરાવવા અથવા અન્ય નાના મૂલ્યની નોટોમાં રોકડ ચૂકવવાનો આદેશ મનસ્વી, અતાર્કિક અને ભારતના બંધારણની કલમ ૧૪નું ઉલ્લંઘન છે.

અરજીમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને સૂચના આપવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં એવુ જણાવ્યું છે કે ૨૦૦૦ રૂપિયાની નોટો માત્ર સંબંધિત બેંક ખાતામાં જ જમા કરવામાં આવે. આના કારણે કોઈ અન્ય બેંક ખાતામાં પૈસા જમા કરાવી શકશે નહીં. તેનાથી કાળું નાણું અને અપ્રમાણસર સંપત્તિ ધરાવતા લોકોની ઓળખ સરળતાથી કરી શકાશે.અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આ પગલાથી ભ્રષ્ટાચાર, બેનામી વ્યવહારોને ખતમ કરવામાં મદદ મળશે. અરજદારે કહ્યું કે આ પગલું નાગરિકોના મૂળભૂત અધિકારોને સુરક્ષિત કરવા માટે કેન્દ્રને કાળા નાણા અને અપ્રમાણસર સંપત્તિ ધારકો સામે યોગ્ય પગલાં લેવામાં મદદ કરશે. તેથી આ અંગે સરકાર અને આરબીઆઈને યોગ્ય સૂચના આપવા અરજીમાં વિનંતી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય રિઝર્વ બેંક દ્વારા ચલણમાંથી બહાર કાઢવામાં આવેલી ૨૦૦૦ રૂપિયાની નોટ બદલવાની પ્રક્રિયા આવતીકાલે એટલે કે ૨૩ મે ૨૦૨૩ મંગળવારથી શરૂ થવા જઈ રહી છે. તમે કોઈપણ બેંક શાખામાં જઈને તમારી સાથે આ રૂપિયા ૨૦૦૦ની ચલણી નોટ સરળતાથી બદલી શકો છો. આ માટે તમારે કોઈપણ ફોર્મ (રિક્વિઝિશન સ્લિપ) ભરવાની જરૂર નથી કે તમારી પાસેથી કોઈપણ પ્રકારનું ઓળખ પત્ર માંગવામાં આવશે નહીં. તમે એક સમયે ૨૦૦૦ રૂપિયાની ૧૦ નોટ બદલી શકો છો.

સોશ્યલ મીડિયા પર એવા દાવા કરવામાં આવી રહ્યા હતા કે નોટબંધી કરવામાં આવેલી નોટો બદલવા માટે બેંકોમાં આઈડી પ્રૂફની જરૂર પડશે. આ અહેવાલો પર, દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ તેની તમામ શાખાઓને જાણ કરી છે કે, આરબીઆઈ દ્વારા ગયા શુક્રવારે તાત્કાલિક અસરથી ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવેલી રૂ. ૨,૦૦૦ની નોટોને બદલવા માટે કોઈ ફોર્મ અને કોઈ ઓળખ પુરાવાની જરૂર રહેશે નહીં. બેંક દ્વારા ૨૦ મેના રોજ જાહેર કરાયેલા એક પરિપત્રમાં કહેવામાં આવ્યું હતું કે દરેકને ૨,૦૦૦ રૂપિયામાં અન્ય મૂલ્યોની નોટો બદલવાની મંજૂરી આપવામાં આવી છે.