
મુંબઇ,
રામ ચરણ તેની સુપરહિટ બ્લોકબસ્ટર આરઆરઆરથી ઘણી લાઈમલાઈટ મેળવી રહ્યો છે. ફિલ્મના નાટુ નાટુ ગીતે દુનિયાભરમાં એક નવો ઈતિહાસ રચ્યો છે. જેના કારણે તે ઓસ્કાર માટે નોમિનેટ પણ થયું છે. આ ફિલ્મે અનેક આંતરરાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા બાદ ૯૫મા એકેડેમી એવોર્ડ્સમાં નામાંકન પણ નોંધાવ્યું છે. હવે સમાચાર મુજબ રામ ચરણ હોલીવુડમાં ડેબ્યુ કરવાનો પ્લાનિંગ બનાવી રહ્યા છે. રામ ચરણે બ્રૈડ પિટ સાથે કામ કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.
તમને જણાવી દઈએ કે આરઆરઆર પછી રામ ચરણની ગણતરી એક ગ્લોબલ સ્ટારમાં થાય છે. આ જ કારણ હોઈ શકે છે કે રામ ચરણ ટૂંક સમયમાં હોલીવુડમાં ડેબ્યુ કરવા માટે તૈયાર છે. આ પ્રોજેક્ટની જાહેરાત પણ ટૂંક સમયમાં થઈ શકે છે. હાલમાં સૈમ ફ્રેગાસોના પોડકાસ્ટમાં રામ જોવા મળ્યો હતો. જ્યાં તેને ખુલાસો કર્યો હતો કે તે હોલીવુડમાં પોતાની પહેલી ફિલ્મના ડેબ્યુ માટે કેટલાક અગ્રણી નિર્દેશકો સાથે વાતચીત કરી રહ્યો છે.
તેને મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેના હોલીવુડ ડેબ્યુ વિશે તે ટૂંક સમયમાં જ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવશે. તેને એમ પણ કહ્યું કે તે ટોમ ક્રૂઝ, જુલિયા રોબર્ટ્સ અને બ્રૈડ પિટ સાથે કામ કરવા માંગે છે. ડેવિડ પોલેન્ડ દ્વારા આયોજિત લાંબા સમયથી ચાલતી ડીપી/૩૦ સિરીઝમાં તે જોવા મળ્યાના એક દિવસ પછી આ સમાચાર આવ્યા, જ્યાં તેને પૂછ્યું, “હોલીવુડ એક્ટર કોણ નથી બનવા માંગતું?”