રોશન પરિવાર ઉપર બનશે ડોક્યુમેન્ટરી ફિલ્મ ત્રણ પેઢીની સફરને દર્શાવવામાં આવશે, રાકેશ રોશન કરશે પ્રોડ્યુસ

14 જુલાઈના રોજ હૃતિક રોશને એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી હતી. આ ખાસ દિવસે હૃતિકના દાદા અને ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત સંગીત નિર્દેશક રોશનની 106મી જન્મજયંતી હતી. હવે પિંકવિલાના એક રિપોર્ટ અનુસાર, હૃતિક અને તેમના પિતા રાકેશ રોશન તેમના પરિવારના વારસા પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે.

આ ફિલ્મનું નિર્માણ હૃતિકના પિતા રાકેશ રોશન પોતે કરશે, જ્યારે તેનું નિર્દેશન શશિ રંજન કરશે. જેમાં રોશન પરિવારની 1947થી લઈને અત્યાર સુધીની સફરની વાત કરવામાં આવશે.

ડોક્યુમેન્ટ્રીમાં રોશન પરિવારની ત્રણ પેઢીઓને દર્શાવવામાં આવશે. રોશન પરિવાર સિવાય અન્ય ઘણા સુપરસ્ટાર પણ તેમાં જોવા મળી શકે છે.

આ ફિલ્મમાં રોશન પરિવારની સફર હૃતિકના દાદા રોશન સાથે શરૂ થશે. રોશન જેઓ 1947માં મુંબઈ આવ્યા હતા. અહીં આવીને તેમણે 50 અને 60ના દાયકાના પ્રખ્યાત સંગીત નિર્દેશક તરીકે પોતાની જાતને સ્થાપિત કરી હતી.

આ પછી તેમના પુત્રો રાકેશ અને રાજેશ રોશને આ પરિવારનો વારસો જાળવી રાખ્યો. બંને ભાઈઓએ અભિનય, દિગ્દર્શન અને સંગીત ક્ષેત્રે નામના મેળવી છે.

આજે રોશનનો પૌત્ર હૃતિક રોશન ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા સુપરસ્ટાર પૈકી એક છે. એવું મનાય છે કે, આ ડોક્યુમેન્ટ્રીમાં બીજા ઘણા સુપરસ્ટાર પણ જોવા મળશે.

તેમાં કેટલાક અસલી ફૂટેજ અને કેટલાક બોલિવૂડ સેલેબ્સ સાથેના વિશિષ્ટ ઇન્ટરવ્યૂ પણ દર્શાવવામાં આવશે જેમણે વર્ષોથી રોશન પરિવાર સાથે કામ કર્યું છે. જો કે, આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.