
મુંબઇ, વેસ્ટ ઈન્ડિઝ સામેની ડોમિનિકા ટેસ્ટ મેચમાં કેપ્ટન રોહિત શર્માના બેટથી તેની ટેસ્ટ કારકિર્દીની ૧૦મી ટેસ્ટ સદી જોવા મળી હતી.સીરિઝની પહેલી ટેસ્ટના બીજા દિવસે, રોહિતે લંચ પછી રમતમાં તેની સદી પૂરી કરી, જેના માટે તેણે ૨૨૦ બોલનો સામનો કર્યો. આ દરમિયાન રોહિતના બેટમાંથી ૧૦ ચોગ્ગા અને ૨ છગ્ગા પણ જોવા મળ્યા હતા. જોકે, રોહિત સદી પૂરી કર્યા બાદ ૧૦૩ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
આ વર્ષે ટેસ્ટ ફોર્મેટમાં રોહિત શર્માની આ બીજી ટેસ્ટ સદી છે. આ પહેલા તેણે ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે નાગપુર ટેસ્ટ દરમિયાન ૧૨૦ રનની ઇનિંગ રમી હતી. રોહિતે ૧૦ વર્ષ બાદ વેસ્ટ ઈન્ડિઝ માટે ટેસ્ટ ફોર્મેટમાં સદી ફટકારી છે. આ પહેલા વર્ષ ૨૦૧૩માં ડેબ્યૂ ટેસ્ટમાં તેણે બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. રોહિત પોતાની ટેસ્ટ કારકિર્દીમાં બીજી વખત વિદેશી ધરતી પર સદી ફટકારવામાં સફળ રહ્યો છે. આ સાથે જ વેસ્ટ ઈન્ડિઝમાં આ તેની પહેલી ટેસ્ટ સદી છે.
ટેસ્ટ ફોર્મેટમાં છેલ્લી ૩૯ ઇનિંગ્સમાં કેપ્ટન રોહિત શર્માનું શાનદાર પ્રદર્શન ટેસ્ટ ફોર્મેટમાં જોવા મળી રહ્યું છે. આ દરમિયાન તેના બેટથી અત્યાર સુધીમાં ૭ સદી અને ૪ અડધી સદીની ઇનિંગ્સ જોવા મળી છે. વર્તમાન ખેલાડીઓમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી ફટકારવાના મામલે રોહિત હવે ૪૪ સદી સાથે ૫માં નંબર પર આવી ગયો છે.
ઓપનિંગ બેટ્સમેન તરીકે રોહિત શર્માએ તેની ૧૦૩ રનની ઇનિંગ્સ દરમિયાન સૌથી વધુ વખત ૫૦ કે તેથી વધુ રન બનાવવાના મામલે વીરેન્દ્ર સેહવાગ અને સુનીલ ગાવસ્કરને પાછળ છોડી દીધા છે. ઓપનર તરીકે રોહિતની આ ૧૦૨મી ઇનિંગ છે જેમાં તે ૫૦ કે તેથી વધુ રન બનાવવામાં સફળ રહ્યો છે. જ્યારે સુનીલ ગાવસ્કર અને વીરેન્દ્ર સેહવાગ ૧૦૧ વખત આવું કરવામાં સફળ રહ્યા છે. આ યાદીમાં સચિન તેંડુલકર ૧૨૦ વખત આ કારનામું કરીને પહેલા સ્થાને છે.