મુંબઇ,
શનિવાર, ૭ જાન્યુઆરીના રોજ રોહિત શેટ્ટી હૈદરાબાદમાં ’ઇન્ડિયન પોલીસ ફોર્સ’નું શૂટિંગ કરતો હતો. એક્શન સીનના શૂટિંગ દરમિયાન રોહિત શેટ્ટીને આંગળીઓમાં ઈજા થઈ હતી. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. સર્જરી બાદ રોહિતને રજા આપી દેવામાં આવી છે અને રોહિત શેટ્ટી સેટ પર પરત ફર્યો છે. સિદ્ધાર્થ મલ્હોત્રાએ રોહિતનો એક વીડિયો શૅર કર્યો છે.
રોહિત શેટ્ટી પોતાની એક્શન ફિલ્મ માટે જાણીતો છે. હૈદરાબાદમાં ’ઇન્ડિયન પોલીસ ફોર્સ’ના એક્શન સીનના શૂટિંગ દરમિયાન રોહિતને ઈજા થઈ હતી. સર્જરીના ૧૨ કલાક બાદ જ રોહિત સેટ પર પરત આવ્યો છે. સિદ્ધાર્થે વીડિયોમાં કહ્યું હતું,એક્શન માસ્ટર આપણી સાથે છે. ગઈ કાલે તેમની સાથે દુ:ખદ ઘટના ઘટી હતી. સર, હવે તમને કેવું છે?’ રોહિતે જવાબમાં કહ્યું હતું, ’હું જલ્દીથી સાજો થઈ જાઉં તે માટે પ્રાર્થના કરનાર તમામ લોકોનો આભાર. મને વધુ કંઈ થયું નથી. બસ બે ટાંકા આવ્યા છે.’ સિદ્ધાર્થે કહ્યું હતું, ’અમે રોહિતસર સાથે શૂટિંગ કરવા સેટ પર આવી ગયા છીએ. હજી ૧૨ કલાક પણ થયા નથી ને સર સેટ પર આવી ગયા.’
વીડિયો શૅર કરીને સિદ્ધાર્થે કહ્યું હતું, ’એક સાચો ગુરુ ઉદાહરણથી બને છે. અમને રોહિત શેટ્ટી સરનો એક્શન પ્રત્યેનો પ્રેમ અને તેના ડિરેક્ટ કરેલા સીન્સ પ્રત્યે તેમના જુનૂનની જાણ છે. ગઈ કાલ રાત્રે કાર સ્ટંટ એક્શન સીન જાતે શૂટ કરતા હતા અને તેઓ અકસ્માતનો ભોગ બન્યા, પરંતુ રાતની ઊંઘ ને સામાન્ય સર્જરીના ૧૨ કલાક બાદ તે સેટ પર પરત આવ્યા. સર, તમે દરેક માટે પ્રેરણા છો. તમને પ્રેમ ને સન્માન.’
ડિરેક્ટર રોહિત શેટ્ટીની વેબસિરીઝ ’ઇન્ડિયન પોલીસ ફોર્સ’માં શિલ્પા શેટ્ટી, વિવેક ઓબેરોય તથા સિદ્ધાર્થ મલ્હોત્રા લીડ રોલમાં છે. આ સિરીઝનું શૂટિંગ હૈદારાબાદમાં ચાલી રહ્યું છે. આ સિરીઝથી રોહિતે શેટ્ટી ડિજિટલ પ્લેટફોર્મમાં ડેબ્યૂ કરશે. ગયા વર્ષે ડિસેમ્બરમાં રોહિતની ’સર્કસ’ ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં રણવીર સિંહ, જેકલિન ફર્નાન્ડિઝ તથા પૂજા હેગડે છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર લોપ રહી હતી.