રોહિત શર્માએ ૨ વર્ષથી બેટિંગમાં કંઈ ખાસ કરી રહ્યો નથી,પૂર્વ દિગ્ગજ ખેલાડી ગાવસ્કર

  • તે સતત ક્રિકેટ રમવાના કારણે થાકી ગયો હોય, તે ભારત અને ફ્રેન્ચાઈઝી માટે કપ્તાની કરીને થોડો થાકી ગયો છે એવું લાગી રહ્યું છે.

મુંબઇ, મુંબઈ ઇન્ડિયન્સે આઇપીએલ ૨૦૨૪ માટેના ઓક્શન પહેલા એક મોટો નિર્ણય કર્યો અને રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવી દીધો હતો. રોહિતને કેપ્ટનશીપથી હટાવ્યા બાદ ક્રિકેટ ચાહકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા અને સોશ્યલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા હતા. ઘણાં ફેન્સને મુંબઈ ઇન્ડિયન્સનો આ નિર્ણય પસંદ આવ્યો ન હતો. હવે ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કરે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.

સુનીલ ગાવસ્કરે આ વિશે પોતાના વિચારો શેર કરતા લખ્યું, ‘આપણે શું ઠીક છે અને શું નથી તેમાં ન પડવું જોઈએ. મેનેજમેન્ટે જે નિર્ણય કર્યો છે તે ટીમના ફાયદા માટે છે. ગત ૨ વર્ષથી આઇપીએલમાં રોહિતની બેટિંગ એટલી સારી રહી નથી. પહેલા તે મોટી ઇનિંગ રમતો હતો, પરંતુ હવે ૨ વર્ષથી કંઈ ખાસ કરી રહ્યો નથી. ગત વર્ષથી એક વર્ષ પહેલા મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ૯ અથવા ૧૦ નંબરે રહી હતી. જો કે આઇપીએલ ૨૦૨૩માં ટીમ પ્લેઓફમાં પહોંચી હતી.

ગાવસ્કરે આગળ કહ્યું, ‘ ફ્રેન્ચાઈઝે જે નિર્ણય કર્યો છે તે કેપ્ટનશીપના દબાણને જોઇને કર્યો છે. મને લાગે છે કે રોહિત ભારત માટે કપ્તાની કરે છે જેથી મેનેજમેન્ટ હવે રોહિતને આરામ આપવા માંગે છે. રોહિત બાદ હાર્દિક મુંબઈ ઇન્ડિયન્સની કેપ્ટનશીપ સંભાળશે. હાર્દિકના નેતૃત્વ હેઠળ ગુજરાત ચેમ્પિયન બન્યું હતું. આવી સ્થિતિમાં મને લાગે છે કે મેનેજમેન્ટે ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યો છે.’

સુનીલ ગાવસ્કરે વાતને આગળ વધારતા કહ્યું, ‘અમે રોહિતને આઇપીએલ ૨૦૨૪માં કેપ્ટન તરીકે મિસ કરવાના છીએ. થઇ શકે છે કે તે સતત ક્રિકેટ રમવાના કારણે થાકી ગયો હોય, તે ભારત અને ફ્રેન્ચાઈઝી માટે કપ્તાની કરીને થોડો થાકી ગયો છે એવું લાગી રહ્યું છે. મને લાગે છે કે જે નિર્ણય તેઓએ લીધો છે તે હાર્દિક જેવા એક યુવા કેપ્ટનને ધ્યાનમાં રાખીને લીધો છે. હાર્દિકે કેપ્ટન તરીકે રિઝલ્ટ પણ આપ્યું છે. તેણે ગુજરાતને ૨ વખત ફાઈનલમાં પહોંચાવ્યું છે અને ૨૦૨૨માં ચેમ્પિયન પણ બનાવ્યું છે.’

ગાવસ્કરે વધુમાં કહ્યું, ‘ક્યારેક તમારે નવી વિચારસરણીની જરૂર હોય છે, તે નવી વિચારસરણીને બહાર લાવવા માટે તમારે કેટલાક મુશ્કેલ નિર્ણયો લેવા પડે છે. મને લાગે છે કે આ નિર્ણય મુંબઈને મદદ કરશે અને આનો ફાયદો જ થશે, તેનાથી કોઈ નુક્સાન થશે નહીં.’