ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ ની આઠમી મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાઈ હતી, જેમાં ભારતીય ટીમે ૮ વિકેટે ખૂબ જ સરળ જીત નોંધાવી હતી. આ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરી હતી અને અડધી સદી ફટકારી હતી. આ સિવાય એક કેપ્ટન તરીકે હિટ મેને આ મેચમાં પણ જોરદાર કેપ્ટનશિપ કરી અને ભારતને જીત અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.મેચ દરમિયાન ઇનિંગ્સની શરૂઆત કરતી વખતે હિટમેન અલગ અંદાજમાં જોવા મળ્યો હતો. તેણે આ મેચમાં ૩૭ બોલમાં ૧૪૦.૫૪ના સ્ટ્રાઈક રેટથી ૫૨ રન બનાવ્યા હતા. આ દરમિયાન તેને ૪ ચોગ્ગા અને ૩ શાનદાર છગ્ગા ફટકાર્યા હતા. સાથે જ બીજા ઘણા રેકોર્ડ પણ બનાવ્યા હતા.
આ જીત સાથે જ રોહિત શર્મા એમએસ ધોનીને પાછળ છોડીને ઈન્ટરનેશનલ ટી૨૦માં સૌથી સફળ કેપ્ટન બની ગયો છે. રોહિતની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાની આ ૪૨મી જીત છે. જે તેણે ૫૫મી મેચમાં ટીમની કમાન સંભાળતી વખતે હાંસલ કરી છે. ધોનીની કપ્તાનીમાં ભારતીય ટીમે ૭૭માંથી ૪૧ મેચ જીતી હતી. જીતની ટકાવારીના મામલે રોહિત એમએસ ધોની કરતા ઘણો આગળ છે. ધોનીની કપ્તાનીમાં ભારતીય ટીમની જીતની ટકાવારી ૫૬.૯૪ હતી, જ્યારે રોહિતની કપ્તાની હેઠળની જીતની ટકાવારી ૭૬.૩૬ છે.
આખી દુનિયામાં ઈન્ટરનેશનલ ટી ૨૦માં સૌથી વધુ મેચ જીતનાર કેપ્ટનોની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. આ યાદીમાં બાબર આઝમ ૪૬ જીત સાથે પ્રથમ સ્થાને છે. બીજા સ્થાને યુગાન્ડાના કેપ્ટન બી મસાબા છે. રોહિતની સાથે ઈયોન મોર્ગન અને અસગર અફઘાન ત્રીજા સ્થાને છે. આ ત્રણેય ૪૨-૪૨ મેચ જીત્યા છે.
આયર્લેન્ડ બાદ હવે ૯ જૂને ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે ટક્કર થશે. આ સાથે જ ટીમ ઈન્ડિયા ગ્રુપ સ્ટેજની છેલ્લી બે મેચ અમેરિકા અને કેનેડા સામે રમશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને ગ્રુપ સ્ટેજમાં હજુ ત્રણ વધુ મેચ રમવાની છે.