જયપુર,રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં રોહિત શર્મા ખાતું પણ ખોલી શક્યો નહીં. મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેનને ટ્રેંટ બોલ્ડે વિકેટકીપરના હાથે કેચ કરાવ્યો. રોહિતે લીગની શરૂઆતી બે મેચમાં મુંબઈને સારી શરૂઆત અપાવી હતી પરંતુ આ મેચમાં બોલ્ટની આઉટ સ્વિંગનો તેની પાસે કોઈ જવાબ નહોતો. આ સાથે જ રોહિત આઈપીએલમાં સૌથી વધુ ડક થવાના મામલે સંયુક્તરીતે ટોપ પર પહોંચી ગયો છે.
દિનેશ કાર્તિક આઈપીએલમાં ૧૭ વખત ખાતું ખોલ્યા વિના આઉટ થઈ ચૂક્યા છે. આ સીઝન આરસીબી માટે રમી રહેલા દિનેશ કાર્તિકે અત્યાર સુધી લીગમાં ૨૪૫ મેચ રમ્યા છે. તેના નામે ૪૬૦૨ રન બનાવ્યા છે. કાર્તિકે દિલ્હી કેપિટલ્સ, ગુજરાત લાયન્સ, કેકેઆર, પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ માટે પણ રમી ચૂક્યા છે.
રોહિત શર્મા ૧૭મી વખત ખાતું ખોલ્યા વિના આઉટ થયો છે. તેણે દિનેશ કાર્તિકના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. જોકે રોહિતે આઈપીએલમાં કાર્તિકથી ૧૭ વધુ ઈનિંગમાં બેટિંગ કરી છે. ડેક્કન ચાર્જર્સ માટે આઈપીએલ ડેબ્યૂ કરનાર રોહિતના નામ લીગમાં ૬૨૮૦ રન પણ છે.
મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી રહેલા લેગ સ્પિનર પીયૂષ ચાવલા લિસ્ટમાં સંયુક્ત રીતે ત્રીજા નંબર પર છે. ચાવલા ૮૭ ઈનિંગમાં ૧૫ વખત ખાતું ખોલી શક્યા નથી. ચાવલાના નામે લીગમાં ૬૦૯ રન જ છે. તે મુંબઈથી પહેલા ચેન્નઈ સુપર કિંગ્સ, કેકેઆર અને પંજાબ માટે રમી ચૂક્યો છે.
દિલ્હી, કોલકાતા, પંજાબ અને આરસીબી માટે રમી ચૂકેલા મંદીપ સિંહ ૧૫ વખત આઈપીએલમાં ખાતું ખોલી શક્યો નથી. મુખ્ય બેટ્સમેન હોવા છતાં પણ મંદીપ ૯૮ ઈનિંગમાં ૧૫ વખત ડક થયો. તેણે ૨૦૧૦માં આઈપીએલ ડેબ્યૂ કર્યું હતું. ગયા વર્ષે તેણે અંતિમ મેચ રમી.
ગ્લેન મેક્સવેલનું નામ પણ ઘણા લોકો માટે ચોંકાવનારું હોઈ શકે છે. મેક્સવેલે ૨૦૧૩માં આઈપીએલ ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધી તેણે ૧૨૩ ઈનિંગમાં જ બેટિંગ કરી છે. જે બાદ પણ ૧૫ વખત કોઈ રન બનાવ્યા વિના આઉટ થયો. મેક્સવેલનો સ્ટ્રાઈક રેટ ૧૫૭નો છે અને ૧૫૯ સિક્સર મારી ચૂક્યો છે.
સુનીલ નરેનનું પણ આઈપીએલમાં ૧૫ વખત ખાતું ખુલ્યુ નહીં. મુખ્ય બોલર હોવા છતાં પણ નરેનને કેકેઆરે બેટ્સમેનની ખૂબ તક આપી છે. તેનો ઉપયોગ પિચ હિટર તરીકે થાય છે. તેને સફળતા તો મળી છે પરંતુ ફેલ પણ થયો છે.